News of Saturday, 6th June 2026
વલભીપુર તાલુકાની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ : પશુપાલકોને લાખો રૂપિયાના બોનસનું કરાયું વિતરણ
સર્વોત્તમ ડેરીના રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ વચ્ચે રાજપરા-ભા, જુના રતનપર અને દરેડ મહિલા મંડળીના સભાસદોમાં નફાની વહેંચણી થતાં આનંદનો માહોલ : મેનેજિંગ ડિરેક્ટર એચ. આર. જોષીએ પશુપાલકોને જૈવિક આનુવાંશિક ક્રાંતિ માટે કરી હાકલ

વલભીપુર : ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં કાર્યરત શ્વેતક્રાંતિના મુખ્ય આધારસ્તંભ સમાન ત્રણ મોટી દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સંપન્ન થઈ છે. તાલુકાના રાજપરા-ભા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ, જુના રતનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને દરેડ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા ૫ જૂન ૨૦૨૬ ના રોજ ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ હતી. સર્વોત્તમ ડેરી દ્વારા સંયોજિત આ ત્રણેય મંડળીઓની સભામાં ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષી, જનરલ મેનેજર, સિનિયર મેનેજર, સહકાર મેનેજર, મંડળીઓના મંત્રીઓ સહિત વિશાળ સંખ્યામાં પશુપાલક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એજન્ડા મુજબની તમામ વહીવટી અને નાણાકીય કામગીરીઓની ચર્ચા કરીને તેને સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી.
ત્રણ મંડળીઓ દ્વારા કુલ ૧૦.૬૪ લાખથી વધુના બોનસ નફાની વહેંચણી કરાઈ
વર્ષ દરમિયાન પશુપાલકોની મહેનત અને મંડળીઓની સરાહનીય વહીવટી કામગીરીને કારણે આ ત્રણેય સહકારી મંડળીઓએ માતબર નફો અર્જિત કર્યો છે. જેના ભાગરૂપે સભામાં સભાસદોને પ્રોત્સાહક બોનસ વહેંચવામાં આવ્યું હતું. જેમાં રાજપરા-ભા દૂધ મંડળી દ્વારા રૂપિયા ૨,૮૧,૩૬૩/-, જુના રતનપર દૂધ મંડળી દ્વારા રૂપિયા ૫,૩૮,૫૯૮/- અને દરેડ મહિલા દૂધ મંડળી દ્વારા રૂપિયા ૨,૪૪,૨૪૫/- નો શુદ્ધ નફો દૂધ ભરતા તમામ સભાસદો વચ્ચે બોનસ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યો હતો. મંડળીઓમાં સૌથી વધુ દૂધ જમા કરાવનાર ૧ થી ૧૦ નંબરના પ્રગતિશીલ પશુપાલકોને સર્વોત્તમ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર એચ.આર.જોષીના વરદ્હસ્તે બોનસના ચેક એનાયત કરાયા હતા. આ સાથે તમામ દૂધ ઉત્પાદકોને તેમના દૂધના પ્રમાણમાં મોટી રકમ ચૂકવવામાં આવતાં ગ્રામીણ વિસ્તારોના પશુપાલક પરિવારોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.
સર્વોત્તમ ડેરી થકી ટૂંકા ગાળામાં પાંચ મોટી ક્રાંતિઓ થઈ: એચ.આર.જોષી
સાધારણ સભાના મુખ્ય વક્તા અને સર્વોત્તમ ડેરીના સ્થાપક એચ.આર.જોષીએ પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને પશુપાલન વ્યવસાય કરવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે પોતાની આગવી શૈલીમાં જિલ્લાના પશુપાલકોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સફળ શ્વેતક્રાંતિ બાદ હવે સમય પાકી ગયો છે કે પશુઓમાં નસલ સુધારણા માટે 'જૈવિક આનુવાંશિક ક્રાંતિ' લાવવામાં આવે. તેમણે ઉમેર્યું કે, સર્વોત્તમ ડેરીના માધ્યમથી ટૂંકા ગાળામાં પાંચ મોટી ક્રાંતિઓ સફળતાપૂર્વક સાકાર થઈ છે, જેમાં શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવાંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિનો સમાવેશ થાય છે. હાલમાં સર્વોત્તમ ડેરી પશુપાલકોને રેકોર્ડબ્રેક દૂધના ખરીદભાવ આપી રહી છે, જેનાથી સમગ્ર જિલ્લાના દૂધ ઉત્પાદકોની આર્થિક સ્થિતિ સુધરી રહી છે અને તેમનું જીવનધોરણ ઊંચું લાવવામાં મોટી મદદ મળી રહી છે.
સ્વચ્છ દૂધ ઉત્પાદન અને પશુ આરોગ્ય અંગે અપાયું વિશેષ માર્ગદર્શન
કાર્યક્રમ દરમિયાન સર્વોત્તમ ડેરીના જનરલ મેનેજર એન.યુ.ઝીઝાળાએ હાજર રહેલા તમામ પશુપાલકોને ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ દૂધ ઉત્પાદન પદ્ધતિઓ વિશે તકનીકી માહિતી આપી હતી. તેમણે દૂધની શુદ્ધતા જાળવવા અને પશુઓના આરોગ્ય તેમજ પોષણક્ષમ આહાર અંગે પાયાની બાબતો સમજાવી હતી. વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરીને મોટો નફો કમાવવા બદલ ડેરી પ્રશાસન તરફથી ત્રણેય દૂધ મંડળીના સંચાલકો, કર્મચારીઓ અને તેના તમામ સભાસદોને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર વાર્ષિક સાધારણ સભાનું સફળ અને સુચારૂ સંચાલન સહકાર મેનેજર એમ.એ.કામળીયા દ્વારા કરવામાં આવ્યું હતું, અને અંતમાં તમામ સભાસદોનો આભાર માની સભાની કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
