<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

ગીર સોમનાથ ના સુપ્રસિદ્ધ જમજીર ના ધોધ માં મોતની છલાંગ: યુવાનોના જીવસટોસટના સ્ટંટ, છલાંગ લગાવતો વીડિયો વાયરલ

કલેક્ટરના પ્રતિબંધિત જાહેરનામાના લીરેલીરા ઉડાડતા સહેલાણીઓ: બે દાયકામાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવા છતાં તંત્ર વામણું

 

કોડીનાર : કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ ફરી એકવાર વિવાદ અને જોખમના કારણે ચર્ચામાં આવ્યો છે. ગીર ગઢડાના જામવાળા ગીર ખાતે શિંગોડા નદી પર આવેલા આ પ્રખ્યાત ધોધનો એક અત્યંત ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક યુવાનો કાયદા અને મોતના ડર વગર ધોધની ટોચ પરથી સીધી નીચે પાણીમાં છલાંગ લગાવતા નજરે પડી રહ્યા છે.

 

સ્થાનિક વહીવટીતંત્ર અને કલેક્ટર દ્વારા આ આ ધોધ નજીક જવા કે ન્હાવા પર કડક પ્રતિબંધ હોવા છતાં, યુવાનો દ્વારા જાહેરનામાનો સરેઆમ ઉલ્લાળીયો કરવામાં આવી રહ્યો છે. જો કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો કેટલો સમય જૂનો છે અને આ જોખમી સ્ટંટ કરનારા યુવાનો ક્યાંના છે, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ વીડિયોએ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

 

જમજીર ધોધ જેટલો સુંદર છે, તેટલો જ તે કપટી અને જોખમી પણ છે. છેલ્લા બે દાયકામાં (૨૦ વર્ષમાં) આ ધોધના ઊંડા પાણી અને પથરાળ વિસ્તારમાં ડૂબી જવાથી કે પછડાવાને કારણે અને સેલ્ફી લેવાના ચક્કર માં અનેક ઉત્સાહી યુવાનો અને પ્રવાસીઓ અકાળે મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. આ જ કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા માનવજિંદગીની સુરક્ષાને ધ્યાને રાખીને ધોધની નજીક જવા, સેલ્ફી લેવા કે ન્હાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલું છે. આમ છતાં, સુરક્ષા કર્મચારીઓની ગેરહાજરી અથવા તો લોકોની લાપરવાહીને કારણે આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

 

આ વિસ્તારમાં કાયદાનો ભંગ કરવાની આ કોઈ પહેલી ઘટના નથી. થોડા સમય પહેલાં જ ગાંધીનગર (કલોલ)ની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને ૯ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી મોડલ પૂજા પ્રજાપતિ અને તેની બે બહેનપણીઓ સામે આ જ ધોધના કિનારે જોખમી રીતે રીલ્સ બનાવવા બદલ કોડીનાર પોલીસ મથકે બી.એન.એસ. ૨૨૩ (જાહેરનામા ભંગ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે અધિક કલેક્ટર રાજેશ આલ અને ડીવાયએસપી મહાદેવ ચૌધરીની સૂચનાથી કડક કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

એટલું જ નહીં, આશરે ૧૧ મહિના પહેલાં જાણીતી એક્ટ્રેસ ઝીલ જોષી સામે પણ આ જ સ્થળે પ્રતિબંધ હોવા છતાં વીડિયો શૂટ કરવા બદલ ગુનો નોંધાયો હતો.

 

ત્યારે અત્રે ઉલ્લેખનીય છેકે સોશિયલ મીડિયા પર સસ્તા ફેમ અને લાઈક્સ મેળવવાની ઘેલછામાં સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય યુવાનો પણ પોતાના જીવનું જોખમ ખેડતા અચકાતા નથી. લાખો ફોલોઅર્સ હોવા છતાં કાયદાનું ભાન ન રાખનારા લોકો સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે, ત્યારે આ નવા વાયરલ વીડિયોના આધારે સ્ટંટબાજ યુવાનોને શોધી કાઢીને તેમની સામે પણ ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

ત્યારે તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેવાકે જાહેરનામું માત્ર કાગળ પર જ કેમ? ધોધની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત કેમ રાખવામાં આવતો નથી? વારંવાર મોતના બનાવો બનવા છતાં પ્રવાસીઓ આટલી સરળતાથી ધોધની ટોચ સુધી કેવી રીતે પહોંચી જાય છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?

ત્યારે ગીર સોમનાથ ની જનતા તંત્રસામે ઉપરોક્ત સવાલો નો શું જવાબ મળશે તેની સામે મીટ માંડીને બેઠી છે

 

(12:45 AM IST)