<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th June 2026

કચ્છના સિનુગ્રા ગામે ખનિજ માફિયાનું રેસિડન્સ અને કોમર્શિયલ જમીન પરનું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડી પડાયું

પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ અને રેવન્યુ વિભાગની સંયુક્ત મેગા ડ્રાઈવ : ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દાઉદ ભચુભાઈ કક્કલ દ્વારા દબાવેલી ૧૬.૭૭ લાખથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ:કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો જમાવનારા તત્વો અને ભૂમાફિયાઓ સામે વહીવટી તંત્ર તેમજ પોલીસ પ્રશાસન દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં ખનિજ માફિયા દ્વારા સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલું મોટું રહેણાંક અને વાણિજ્યક બાંધકામ તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડીને જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ અંજાર પોલીસ તેમજ સ્થાનિક મહેસૂલ (રેવન્યુ) વિભાગની સંયુક્ત ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.

 ખાણ ખનીજ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વ સામે કડક કાર્યવાહી

મળતી સત્તાવાર માહિતી મુજબ, સિનુગ્રા ગામનો રહેવાસી દાઉદ ભચુભાઈ કક્કલ લાંબા સમયથી ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. આ ખનિજ માફિયાએ ગામની કિંમતી સરકારી જમીન પર વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો ઊભા કરી દીધા હતા. આ અંગેની ચોક્કસ ફરિયાદો અને અહેવાલોના આધારે પૂર્વ કચ્છ પોલીસ અને અંજાર રેવન્યુ વિભાગે સંયુક્ત રણનીતિ ઘડીને ઓચિંતું ડિમોલિશન હાથ ધર્યું હતું, જેના કારણે સ્થાનિક સ્તરે ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 લાખોની કિંમતનું રહેણાંક અને કોમર્શિયલ બાંધકામ જમીનદોસ્ત

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહી અંતર્ગત કરોડોની કિંમતની સરકારી જમીન માફિયાના સિકંજામાંથી છોડાવવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન ૧૨૫ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું ગેરકાયદેસર રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું હતું, જેની અંદાજિત સરકારી કિંમત ૨૮,૨૫૦ રૂપિયા જેટલી થવા જાય છે. આ ઉપરાંત, પ૦૫૯ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલું વાણિજ્યક (કોમર્શિયલ) બાંધકામ પણ બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દેવાયું છે, જેની કિંમત ૧૬,૪૯,૨૩૪ રૂપિયા આંકવામાં આવી છે. આમ, તંત્ર દ્વારા કુલ મળીને ૧૬,૭૭,૪૮૪ રૂપિયાની કિંમતની કિંમતી સરકારી જમીન માફિયાના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવી પક્ષે લેવામાં આવી છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:55 PM IST)