<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

રાજકોટના ત્રંબામાં બેકાબુ બનેલી કાર સીધી જ દુકાન ખોલી રહેલા આધેડને અડફેટે લીધા :કાર અને દીવાલ વચ્ચે દુકાનદાર કચડાયો

પોલીસ સમક્ષ કારચાલકે પોતાની ભૂલ સ્વીકારી અકસ્માત અંગેની સત્તાવાર કબૂલાત કરી લીધી

રાજકોટ જિલ્લાના ત્રંબા ગામ પાસે રવિવાર, 7 જૂનના રોજ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રોજિંદી પ્રક્રિયા મુજબ પોતાની દુકાન ખોલવા જઈ રહેલા એક આધેડ વયના દુકાનદાર માટે રવિવારની એ બપોર આખરી સાબિત થઈ હતી. હજુ તો આધેડ પોતાની દુકાનનું શટર ખોલી જ રહ્યા હતા, ત્યાં જ કાળ બનીને ધસી આવેલી એક પૂરપાટ કારે તેમને પોતાની અડફેટમાં લીધા હતા. આ સમગ્ર કાળજું કંપાવી દેનારી ઘટના દુકાનની બહાર લાગેલા CCTV કેમેરા અને ખુદ અકસ્માત સર્જનાર કારના ડેશબોર્ડ કેમેરામાં આબાદ કેદ થઈ ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, એક લક્ઝુરિયસ કારના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવતી વખતે અચાનક જ સ્ટેયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર રોડ પરથી સીધી જ દુકાન તરફ ફંટાઈ હતી અને દુકાન ખોલી રહેલા આધેડને અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે આધેડ દુકાનદાર કાર અને દુકાનની મજબૂત દીવાલ વચ્ચે અત્યંત ખરાબ રીતે દબાઈ ગયા હતા.

ધડાકાભેર અવાજ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને આધેડને કાર અને દીવાલ વચ્ચેથી બહાર કાઢ્યા હતા. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ શરીરમાં ગંભીર આંતરિક અને બાહ્ય ઇજાઓ થવાના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે દમ તોડ્યો હતો, જેથી પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.

સામાન્ય રીતે આવા ગંભીર અકસ્માતો બાદ ચાલકો વાહન મૂકીને નાસી છૂટતા હોય છે, પરંતુ આ કેસમાં કઈક જુદું જોવા મળ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં મોટા ટોળાં એકઠા થઈ ગયા હોવા છતાં, કારચાલક યુવક ત્યાંથી પલાયન થયો નહોતો. તે ઘટનાસ્થળે જ ઊભો રહ્યો હતો.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ સમક્ષ કારચાલકે પોતાની ભૂલ સ્વીકારી અકસ્માત અંગેની સત્તાવાર કબૂલાત કરી લીધી હતી. આ સાથે જ તેણે પોલીસને કાયદેસરની કાર્યવાહીમાં અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. પોલીસે મૃતક દુકાનદારના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(12:05 AM IST)