<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

અમરેલી એસીબીની મોટી કાર્યવાહી : બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક અને જન્મ-મરણના ઇન્ચાર્જ સબ રજીસ્ટ્રાર નનુભાઈ ગમારા રૂા.૪,૦૦૦ ની લાંચ લેતા હોટલ પરથી રંગેહાથ ઝડપાયા

ઇન્ચાર્જ પીઆઈ ટી.એસ.રીઝવી અને મદદનીશ નિયામક એસ.એન.બારોટ તેમજ ઇન્ચાર્જ નાયબ નિયામક જે.ડી.મેવાડાના માર્ગદર્શન હેઠળ અમરેલી એસીબી સ્ટાફે બાબરા બાયપાસ પાસે ઠાકરધણી હોટલ પર ગોઠવ્યું સફળ છટકું : જન્મનો દાખલો કાઢી આપવા માટે સરકારી કર્મચારીએ લાંચ માંગી હોવાનો ખુલાસો

બાબરા:અમરેલી જિલ્લાના બાબરામાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા ભ્રષ્ટાચારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરતા એક સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા નગરપાલિકામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને જન્મ-મરણના સબ રજીસ્ટ્રારનો ઇન્ચાર્જ ચાર્જ સંભાળતા કર્મચારીએ કાયદેસરનું કામ કરવા માટે લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમે બાબરા બાયપાસ પાસે આવેલી એક હોટલ પર છટકું ગોઠવીને આ કર્મચારીને લાંચની રકમ સ્વીકારતા મોકા પર જ દબોચી લીધો છે.

 મિત્રની દીકરીના જન્મનો દાખલો કઢાવવા માટે કરાઈ હતી લાંચની માંગણી:

આ સફળ રેડની વિગત એવી છે કે, આ કામના ફરિયાદી જેઓ એક જાગૃત નાગરિક છે, તેમના મિત્રની દીકરીના જન્મ તારીખનો દાખલો કઢાવવાનો હતો. આ જન્મનો દાખલો કાઢી આપવાના અવેજ પેટે બાબરા નગરપાલિકાના આરોપી કર્મચારી નનુભાઈ મામૈયાભાઈ ગમારા (ઉંમર વર્ષ ૫૪, હોદો-જુનીયર કલાર્ક, ચાર્જ-સબ રજીસ્ટ્રાર જન્મ-મરણ, રહે. ધારપરા વિસ્તાર, ભીમબાપુના ગઢ પાસે, બાબરા, તા. બાબરા, જી. અમરેલી) એ ફરિયાદી પાસે રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી રકજકના અંતે આખરે રૂા.૪,૦૦૦/- આપવાનું નક્કી થયું હતું.

 ઠાકરધણી હોટલ પર એસીબીએ ગોઠવ્યું લાંચનું છટકું:

ફરિયાદી આ કામ માટે લાંચની રકમ આપવા બિલકુલ ઈચ્છતા ન હોવાથી, તેઓએ ભ્રષ્ટાચારના આ દૂષણને ડામવા માટે તાત્કાલિક અમરેલી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને નનુભાઈ ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ તા.૦૮/૦૬/૨૦૨૬ ના રોજ ગોઠવાયેલા આ છટકા દરમિયાન, ફરિયાદી આરોપી નનુભાઈ ગમારાને મળવા માટે બાબરા બાયપાસ પાસે આવેલી ઠાકરધણી હોટલ પર પહોંચ્યા હતા. હોટલ પર આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ નક્કી થયા મુજબ લાંચની રકમ રૂા.૪,૦૦૦/- ની માંગણી કરી હતી.

 હોદ્દાનો દુરુપયોગ કરનાર કર્મચારી પાસેથી રૂા.૪,૦૦૦ ની રકમ રિકવર:

જેવી જ ફરિયાદીએ લાંચની રકમ રૂા.૪,૦૦૦/- આરોપીને આપી અને આરોપીએ તે રકમ સ્વીકારી, તે સાથે જ હોટલની આસપાસ ગોઠવાયેલા એસીબીના સ્ટાફે ત્રાટકીને આરોપી નનુભાઈ ગમારાને રંગેહાથ પકડી લીધો હતો. એસીબીની ટીમે આરોપી પાસેથી લાંચ તરીકે સ્વીકારેલી રૂા.૪,૦૦૦/- ની રોકડા રકમ સ્થળ પરથી જ રિકવર કરી લીધી છે. આરોપીએ પોતાના ઇન્ચાર્જ સબ રજીસ્ટ્રાર જન્મ અને મરણના હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનો કર્યો હોવાથી એસીબીએ તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ સફળ ઓપરેશન:

ભ્રષ્ટાચારના આ આખીય ટ્રેપની કામગીરી એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક જે.ડી.મેવાડા તેમજ એસીબી ભાવનગર એકમના મદદનીશ નિયામક એસ.એન.બારોટના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. આ ટ્રેપિંગ ઓપરેશનને અમરેલી એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ.રીઝવી તથા તેમના એસીબી સ્ટાફના માણસોએ સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. સામાન્ય જનતાને હેરાન કરતા નગરપાલિકાના કર્મચારીની ધરપકડ થતાં બાબરા વહીવટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(8:55 PM IST)