News of Monday, 8th June 2026
વિસાવદરમાં બુધવારે બ્રોડગેજ રેલવે લાઈનની માંગ સાથે સહી ઝુંબેશનો કાર્યક્રમ : અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજની બુલંદ લોકમાંગણી
ધારી પત્રકાર સંઘ તથા અમરેલી બ્રોડગેજ કમીટી અને જાગૃત નાગરિકો દ્વારા મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત સહી ઝુંબેશનો પ્રજાલક્ષી કાર્યક્રમ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :"સાથી હાથ બઢાના"નાં નારા સાથે વિસાવદરમાં મિશન બ્રોડગેજ સહી ઝુંબેશ કાર્યક્રમનું વિસાવદરમાં આગામી તા. ૧૦/૦૬/૨૦૨૬ બુધવાર સમય : સવારે ૧૦થી ૧ દરમિયાન જુના બસ સ્ટેશન ચોક , સતાધાર રોડ, વિસાવદર ખાતે આયોજન કરાયું છે.
આયોજકોએ જાહેર અપીલ કરતા જણાવ્યું છે કે "આથી આદરણીય વડીલો, વ્હાલા દોસ્તો, સામાજીક સંસ્થાઓના આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો સૌને જાણ કરવામાં આવે છે કે, ધારી પત્રકાર સંઘ તેમજ અમરેલી બ્રોડગેજ કમેટી અને જાગૃત નાગરિકો દ્વારા મિશન બ્રોડગેજ સુવિધા અંતર્ગત વિસાવદર ખાતે સહી ઝુંબેશ રાખવામાં આવેલ છે.
આ બિન રાજકીય મિશનની માંગ છે કે, અમરેલીથી વિસાવદર સુધી ચાલી રહેલ મીટર ગેજને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવામાં આવે..ચલાલા-ધારી અને વિસાવદર પંથકના હજારો લોકો સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરોમાં સ્થાયી થયેલા છે.. જેઓ પોતાના માદરે વતન વહેવાર અને વેપાર અર્થે અવરજવર પણ કરે છે અને સાથોસાથ આધુનિક અદ્યતન સુવિધાઓને બદલે મીટર ગેજ ટ્રેન સુવિધાના કારણે મોટા શહેરો સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથોસાથ ધારી ચલાલા કે પછી વિસાવદર પંથકમાં ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળો પણ આવેલા છે. જો પ્રજાકીય વ્યાજબી માંગણી પ્રમાણે બ્રોડગેજ સુવિધા મળે તો આ સમગ્ર વિસ્તારનો વિકાસ પણ થઈ શકે તેમ છે. આ વ્યાજબી માંગ સાથે રાખવામાં આવેલ સહી ઝુંબેશમાં સૌ મોટી સંખ્યામાં હાજરી આપે અને દરેક વ્યક્તિ સાથે પાંચ વ્યક્તિઓને લેતા આવે તે જરૂરી છે. બ્રોડગેજ સુવિધા એ પ્રજાનો હક્ક છે. આ હક્ક અપાવવા માટે ધારી પત્રકાર સંઘે એક મિશન શરૂ કરેલ છે. જેને જાગૃત નાગરિકો તેમજ અમરેલી બ્રોડગેજ કમીટીએ સંપુર્ણ ટેકો આપેલ છે. વિસાવદરની જનતા બુધવારે સહી ઝુંબેશનાં કાર્યમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ તેવી આયોજકોએ જાહેર અપીલ કરી છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
