News of Tuesday, 9th June 2026
કલ્યાણપુરમાં એ.સી.બી.ની સફળ ટ્રેપઃ હરિપરના સરપંચના પતિ સહિત બે શખ્સો પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા
પથ્થરની ખાણની કામગીરીમાં હેરાન ન કરવા રૂ. ૩૦ લાખ માંગ્યા : રકજક બાદ ૨૦ લાખ નક્કી થયાઃ પ્રથમ હપ્તો લેતા હરીપરના ડાયા પરમાર અને કલ્યાણપુરના જીવા પરમાર પકડાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૯:કલ્યાણપુર ખાતે એ.સી.બી. જામનગરે સફળ ટ્રેપ ગોઠવી હરિપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ સહિત બે આરોપીને તોને રૂ. ૫,૦૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.
આ કામના ફરીયાદી એક જાગળત નાગરિક છે. ફરીયાદી તથા તેના પાર્ટનરની હરીપર ગામ ખાતે કાળા પથ્થર કાઢવાની ખાણ આવેલી છે. આ ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય દ્વારા ખોટી હેરાનગતી નહી કરવાના અવેજ પેટે હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ આક્ષેપીત નં. ૧ ડાયાભાઈ અરજણભાઈ પરમાર, ઉ.વ. ૫૫, ધંધો ખેતી, રહે. હરીપર ગામ, ફરીયાદી તથા સાહેદ પાસે રૂ. ૩૦,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ. રકજકના અંતે રૂ. ૨૦,૦૦,૦૦૦ આપવાનો વાયદો થયેલ. તે પૈકી રૂ. ૫,૦૦,૦૦૦ આપી દેવા જણાવેલ.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદીની ફરીયાદ આધારે ફરીયાદીશ્રીના મીત્રની ઓફીસ, દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ છટકા દરમ્યાન આક્ષેપીત નં. ૧ ડાયાભાઈ અરજણભાઈ પરમાર તથા આક્ષેપીત નં. ૨ જીવાભાઈ અરજણભાઈ પરમાર, ઉ.વ. ૪૧, ધંધો ખેતી તથા હાર્ડવેરનો વેપાર, રહે. કલ્યાણપુર, તા. કલ્યાણપુર, જી. દેવભૂમિ દ્વારકા એ બંનેએ ફરીયાદી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં લાંચની માંગણીની રકમ રૂ. ૫,૦૦,૦૦૦ ફરીયાદી પાસે માંગી સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ એ.સી.બી. ટીમે બંને આક્ષેપીતોને રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી લાંચની સ્વીકારેલ અને રીકવર કરેલ રકમ રૂ. ૫,૦૦,૦૦૦ કબજે કરવામાં આવી છે. બંને આક્ષેપીતો પ્રજાજન છે.
આ ટ્રેપીંગ કાર્યવાહી એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીમાં સુપરવિઝન અધિકારી તરીકે જે.ડી. મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ તથા ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ હાજર રહ્યા હતા. બંને આક્ષેપીતો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
