News of Tuesday, 9th June 2026
ભાવનગર જિલ્લાના મહુવાના નેસવડ ચોકડી પાસે 50 વર્ષ જૂનું મહાકાય વડલાનું વૃક્ષ ધરાશાયી : વાહનો દબાયા : વિજપોલ પડ્યો
ભાવેશ ચા પાસે સવારે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં : બે મિની ટ્રેક્ટર, લારીઓ અને ટુ વ્હીલરને નુકસાન : વિજ પુરવઠો ખોરવાયો, પીજીવીસીએલ દ્વારા કામગીરી શરૂ

(રહીમ વસાયા દ્વારા) મહુવા, તા. 9 : મહુવા શહેરની ભાગોળે આવેલ નેસવડ ચોકડી ખાતે ભાવેશ ચા ની બાજુમાં, કવા મિકેનિક અને ઉમા હાર્ડવેરની સામે આજે સવારે દસ સવા દસ વાગ્યાની આસપાસ 50 વર્ષ ઉપરાંત જૂનું વિશાળ મહાકાય વડલાનું વૃક્ષ ધરાશાયી થઈ જમીનદોસ્ત થઈ ગયું હતું. ઘટના બનતા આસપાસ ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદભાગ્યે કોઈ વ્યક્તિની જાનહાની કે ઈજા થઈ નથી.
વડલાના વૃક્ષ નીચે પડેલા બે મિની ટ્રેક્ટર, તેની બે ત્રણ લારીઓ, બે ટુ વ્હીલર ગાડીઓ તેમજ પાણીના પ્લાસ્ટિકના ટાંકાઓ તેમજ વેપારીઓનો દુકાનનો માલ અને વાહનોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. વૃક્ષ પડવાના કારણે એક વિજપોલ પણ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી.
ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડીકવાર માટે રસ્તો જામ થઈ ગયો હતો. ઘટનાના પગલે તુરંત જ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ફરી વિજ પુરવઠો શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
