<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં પવિત્ર અધિકમાસના મંગળવાર નિમિત્તે "સંગીતમય સુંદરકાંડ પાઠ"મા ભાવિકો જોડાયા : પાઠ કરનાર મંડળો માટે સાઉન્ડની ઉત્તમ વ્યવસ્થા નિઃશુલ્ક ઉપલબ્ધ

પૂ. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ પવિત્ર અધિકમાસ નિમિત્તે હરિભક્તો માટે આધ્યાત્મિક આયોજન : તા.17 મે થી 15 જૂન, 2026 દરમિયાન મંગળવાર હનુમાનજીનો દિવસ હોવાથી આ દિવસે સુંદરકાંડ પાઠનું અનેરૂ મહત્વ

 રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર - સાળંગપુરધામ દ્વારા પવિત્ર અધિકમાસ નિમિત્તે

વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હરિભક્તો માટે વિશેષ આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે.

પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને પૂ. વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ અધિકમાસ દરમિયાન દર મંગળવારના પવિત્ર દિવસે ભવ્ય "સંગીતમય સુંદરકાંડ પાઠ"નું આયોજન કરવામાં આવે છે. આ ભક્તિમય મહોત્સવ તા. 17 મે થી 15 જૂન, 2026 દરમિયાન દર મંગળવારે ધામધૂમથી ઉજવાશે. જે અંતર્ગત આજે પણ મંગળવાર નિમિત્તે "સંગીતમય સુંદરકાંડ પાઠ"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવકો પડ્યા હતા. પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો

વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે કોઈ સુંદરકાંડ મંડળ દ્વારા સાળંગપુરધામ ખાતે સુંદરકાંડ પાઠ કરાવવો હોય, તે તમામ હરિભક્તો અને મંડળોએ મંદિરનો સંપર્ક કરવાનો રહેશે. હરિભક્તોની સુવિધા માટે મંદિર તરફથી પાઠ કરનાર મંડળો માટે સાઉન્ડની ઉત્તમ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

અધિકમાસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ માસ દરમિયાન કરવામાં આવતી ભક્તિ, પાઠ અને દાનનું વિશેષ મહત્વ હોય છે. મંગળવાર હનુમાનજીનો દિવસ હોવાથી આ દિવસે સુંદરકાંડ પાઠનું અનેરૂ મહત્વ રહે છે. ત્યારે સાળંગપુરધામ ખાતે  આ સંગીતમય સુંદરકાંડ પાઠનો લાભ લેવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે. વધુ માહિતી અને બુકિંગ માટે હરિભક્તો વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કાર્યાલયનો સંપર્ક કરી શકે છે.

(7:31 PM IST)