<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ભાવનગરમાં દોઢ લાખનો દારૂ કબજે

મુખ્‍ય આરોપી અને અન્‍ય ત્રણ શખ્‍સો ફરાર

ભાવનગર તા. ૧૦: ભાવનગર શહેરમાં ઘુસાડવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ (એલસીબી)ને મહત્‍વની સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક રાજેન્‍દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગુનાહિત પ્રવળત્તિઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત એલસીબીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર મયુરધ્‍વજસિંહ સરવૈયા અને પીએસઆઈ આર.એ. વાઢેરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે કિશન લાલજીભાઈ ચોહાણ (રહે. અક્ષર પાર્ક, કુંભારવાડા, ભાવનગર) પોતાના ત્રણ સાગરિતો સાથે હ્યુન્‍ડાઇ ક્રેટા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્‍થો લઈને અમદાવાદ હાઈવે મારફતે નારી ગામ થઈ ભાવનગરમાં પ્રવેશવાનો છે.

બાતમીના આધારે એલસીબીની ટીમે નારી ગામ તરફ વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્‍પદ કાર નારી ગામના સર્વિસ રોડ પરથી નારી તળાવ તરફના કાચા રસ્‍તે મેલડી માતાના મંદિર નજીક પહોંચી હતી. પોલીસની હાજરીનો અણસાર આવતા કાર ચાલક અને તેના સાથીદારો વાહન ત્‍યાં જ મૂકી ફરાર થઈ ગયા હતા.

પોલીસે કારની તલાશી લેતા તેમાંમાંથી ‘ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓન્‍લી' લખેલી દારૂની કુલ ૨૦૧૬ બોટલો મળી આવી હતી. જેમાં વોડકાની ૮૧૬ બોટલો કિંમત રૂ. ૬૫,૨૮૦ અને ગ્રાન્‍ડ પ્રીમિયમ ફ્‌લેવર્ડ વોડકાની ૧૨૦૦ બોટલો કિંમત રૂ. ૯૬,૦૦૦ મળી આવી હતી. ઉપરાંત રૂ. ૭ લાખ કિંમતની હ્યુન્‍ડાઇ ક્રેટા કાર સહિત કુલ રૂ. ૮,૬૧,૨૮૦નો મુદ્દામાલ કબ્‍જે લેવામાં આવ્‍યો હતો.

આ મામલે કિશન લાલજીભાઈ ચોહાણ અને તેના ત્રણ અજાણ્‍યા સાગરિતો સામે વરતેજ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંધવામાં આવ્‍યો છે. હાલ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર મયુરધ્‍વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર તેમજ એલસીબી સ્‍ટાફના વનરાજભાઈ ખુમાણ, કેવલભાઈ સાંગા, ઉમેશભાઈ હુંબલ અને જયપાલસિંહ ગોહિલ જોડાયા હતા

(10:39 AM IST)