તા. ૨ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧૫ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
હવે ૨૩ જૂનથી સ્ટાર એર દ્વારા મુન્દ્રાથી વિમાની સેવા શરૂ: મુંબઈ, હિંડન(દિલ્હી), ગોવા, સુરતની સીધી સેવા અને બેંગ્લોર, કોલ્હાપુર, નાંદેડ, બેલગામની કનેક્ટિંગ ફ્લાઇટ
જુવો વિમાની સેવાનું શિડ્યુઅલ, અદાણીના ખાનગી એરપોર્ટની જેમ અદાણીની ખાનગી રેલ સેવામાં મુન્દ્રા સુધી પેસેન્જર ટ્રેન સેવા શરૂ થાય એવી લોકોની ઈચ્છા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : અદાણી પોર્ટ કાર્યરત થયા બાદ કચ્છનું નાનકડું મુન્દ્રા હવે ધીરે ધીરે શહેરમાં ફેરવાઈ ગયું છે. મુન્દ્રામાં પોર્ટના વિકાસ બાદ વ્યાપારનો ધમધમાટ વધ્યો છે પરંતુ વર્ષોથી મુન્દ્રા તાલુકાના ગામોના હજારો લોકો કચ્છ બહાર વસતા હોઈ એમની પણ વતન મુન્દ્રામાં અવરજવર રહે છે. તો મુન્દ્રામાં કામદાર વર્ગ વધ્યો હોઈ તેમની કચ્છ ગુજરાત બહાર અવરજવર રહે છે. વિકાસ સાથે હવે મુન્દ્રામાં હવાઈસેવા શરૂ થઈ રહી હોઈ લોકોમાં આનંદની લાગણી છે. સ્ટાર એર દ્વારા મુન્દ્રામાં ૨૩ જૂનથી કોમર્શીયલ ફ્લાઇટ શરૂ કરવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. હવે કચ્છનું મુન્દ્રા હવાઈસેવાથી મુંબઈ, હિંડન (દિલ્હી,NCR), ગોવા અને સુરત સાથે જોડાશે. આ છે અલગ અલગ વાર પ્રમાણેનું ફ્લાઈટ શિડ્યુઅલ.
મુંબઈથી મુન્દ્રા જવા સોમ, બુધ, શનિ બપોરે ૧૨/૨૦ વાગ્યે ઉપડી ૧/૩૫ મુન્દ્રા પહોંચશે જ્યારે મુન્દ્રાથી મુંબઈ જવાનો સમય સાંજે ૬/૪૫ કલાકે ઉપડી રાત્રે ૮ કલાકે મુંબઈ પહોંચશે. જ્યારે શુક્રવાર અને રવિવારે સમયમાં સમાન્ય ફરક છે. મુંબઈથી બપોરના ૧૨/૨૫ વાગ્યે ઉપડી મુન્દ્રા ૧૩/૪૫ ના પહોંચશે, પરત જવાનો સમય શુક્રવાર અને રવિવારે વહેલો છે. બપોરના ૨/૧૫ વાગ્યે ઉપડી અને ૩/૨૦ ના મુંબઈ પહોંચી જશે.
મુન્દ્રાથી હિંડન (દિલ્હી) જવા સોમ, બુધ અને શનિવારે બપોરના ૨/૦૫ વાગ્યે ઉપડી ૩/૫૫ વાગ્યે હિંડન પહોંચશે, હિંડન (દિલ્હી) થી પરત સાંજે ૪/૨૫ વાગ્યે ઉપડી ૬/૧૫ વાગ્યે મુન્દ્રા પહોંચશે.
ગોવાથી મુન્દ્રા માટે મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે સવારે ૭/૪૦ વાગ્યે ઉપડી ૯/૨૫ વાગ્યે મુન્દ્રા પહોંચશે. પરત ગોવા માટે મુન્દ્રાથી બપોરે ૧૨/૫૫ વાગ્યે ઉપડી ગોવા ૨/૪૦ વાગ્યે પહોંચશે. શનિવારે ગોવા મુન્દ્રા વચ્ચે સમયમાં ફેરફાર રહેશે. શનિવારે ગોવાથી બપોરે સવારે ૧૦/૩૦ વાગ્યે ઉપડી બપોરે મુન્દ્રા ૧૨/૧૫ વાગ્યે પહોંચશે. પરત બપોરે ૩/૪૫ વાગ્યે ઉપડી અને સાંજે ૫/૩૦ વાગ્યે ગોવા પહોંચશે.
મુન્દ્રા સુરત વચ્ચેનું શિડ્યુઅલ મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે મુન્દ્રાથી સવારે ૯/૫૫ વાગ્યે ઉપડી સુરત ૧૨/૨૫ વાગ્યે પહોંચશે. જ્યારે સુરતથી બપોરે ૨/૧૫ વાગ્યે ઉપડી ૩/૧૫ વાગ્યે મુન્દ્રા પહોંચશે. શનિવારે સમયમાં થોડો ફેરફાર છે. મુન્દ્રાથી બપોરે ૧૨/૪૫ વાગ્યે ઉપડી સુરત ૧૩/૪૫ વાગ્યે પહોંચશે પરત સુરતથી ૨/૧૫ વાગ્યે ઉપડી મુન્દ્રા ૩/૧૫ વાગ્યે પહોંચશે.
હવે કનેક્ટિંગ ફ્લાઇટમાં બેંગલોરથી મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે ૬ વાગ્યે ઉપડનાર ફ્લાઇટ વાયા ગોવા થઈને આવશે એટલે તે ગોવાથી મુન્દ્રાની ફ્લાઇટના શિડ્યુઅલ પ્રમાણે જ મુન્દ્રા પહોંચશે. તો મુન્દ્રાથી મંગળ, બુધ, ગુરુ અને શુક્રવારે ગોવા જતી ફ્લાઇટ ગોવાથી નાંદેડ જતી હોઈ એ ફ્લાઈટ કનેક્ટિંગ ફ્લાઇટ તરીકે સાંજે ૪/૩૦ વાગ્યે નાંદેડ પહોંચશે.
જ્યારે શનિવારે મુન્દ્રાથી ગોવા જતી ફ્લાઈટ બેંગ્લોર જવા કનેક્ટિંગ ફ્લાઈટ તરીકે ૩/૪૫ વાગ્યે ઉપડી સાંજે ૭/૧૦ વાગ્યે બેંગ્લોર પહોંચશે.
કોલ્હાપુરથી મુન્દ્રા આવવા મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવારે સવારે ૧૦/૩૫ વાગ્યે ઉપડી વાયા મુંબઈ થઈ ૧/૩૫ વાગ્યે બપીરે મુન્દ્રા પહોંચશે.
મુન્દ્રાથી બેલગામ જવા મંગળ, ગુરુ અને શનિવારે સાંજે ૬/૪૫ વાગ્યે ઉપડી વાયા મુંબઈ થઈ બેલગામ રાત્રે ૯/૪૫ વાગ્યે પહોંચશે.
જોકે, અદાણી ગ્રુપ ખાનગી એરપોર્ટ બાદ હવે પોતાની ખાનગી રેલ સેવા પણ પશ્ચિમ રેલવે સાથે મળી મુન્દ્રા સુધી પેસેન્જર ટ્રેનની સુવિધા શરૂ કરે એવી લોકોની માંગ છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
