<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

બામણબોર પાસે ટ્રકમાં ખાતરની બોરીઓમાં છૂપાવેલ ૩૧ લાખનો દારૂ ઝડપાયોઃ રાજકોટ આવતો'તોઃ ચાલકની ધરપકડ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૦: અમદાવાદ તરફથી એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજકોટ તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્‍ટ નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટ્રક પસાર થતાં તેને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ નજરે ટ્રકમાં ખાતરની બોરીઓ ભરેલી હોવાનું જણાતું હતું. પરંતુ પોલીસે શંકાના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા બોરીઓની આડમાં છુપાવેલો ઇંગ્‍લિશ દારૂનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો.પોલીસે ટ્રકમાંથી કુલ ૨૦,૭૩૬ નંગ ઇંગ્‍લિશ દારૂની બોટલો અને ચપલા કબ્‍જે કર્યા હતા, જેની કિંમત અંદાજે રૂ.૩૧.૧૦ લાખ થાય છે. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.૪૬.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે. આ કેસમાં રાજસ્‍થાનના રહેવાસી ટ્રક ચાલક સત્‍યપાલ ગોદારની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું છે કે, આરોપી અગાઉ પણ રાધનપુર અને થાનગઢ વિસ્‍તારમાં દારૂની હેરાફેરીના બે ગુનાઓમાં ઝડપાઈ ચૂકયો છે. હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા દારૂ મંગાવનાર અને સપ્‍લાય કરનાર શખ્‍સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ આ દારૂનો જથ્‍થો ગુજરાતના કયા વિસ્‍તારમાં સપ્‍લાય થવાનો હતો તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે

(11:16 AM IST)