News of Wednesday, 10th June 2026
ટંકારાના આર્ય નગરમાં કેમિકલયુક્ત કચરો સળગાવતાં સ્થાનિકો ત્રાહિમામ
જબલપુર તળાવના જળચરો અને પર્યાવરણ સામે મોટું જોખમ ઊભું થયુ : સરદાર નગર સોસાયટી વિસ્તારમાં ત્રણ દિવસથી અસહ્ય દુર્ગંધઃ ઓઈલ મિલનો વેસ્ટ મટીરીયલ તળાવમાં ફેંકી સળગાવ્યોઃ ચોમાસા પહેલા ઝેરી કચરો નહીં હટાવાય તો પ્રવાસી પક્ષીઓ સહિત હજારો જળચરોના અસ્તિત્વ સામે ખતરો

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૦: ટંકારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ આર્ય નગરની સરદાર નગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ત્રણેક દિવસથી અસહ્ય અને ગૂંગળાવી નાખે તેવી દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બન્યું છે. આર્ય નગરના છેવાડે આવેલા જબલપુર તળાવમાં કોઈ અજ્ઞાત તત્વો દ્વારા ઓઈલ મિલમાં કપાસિયા અને રૂ નોખા કરવાના મશીનનો કચરો ફેંકી સળગાવી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરદારનગર સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી બળેલા ચામડા જેવી અજીબોગરીબ અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ ભયંકર દુર્ગંધના કારણે સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. નાના બાળકો અને વળદ્ધોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર તળાવમાં જે વેસ્ટ મટીરીયલ ફેંકવામાં આવ્યું છે તે ઓઈલ મિલના મશીનોમાં વપરાતા ગોળ રાઉન્ડના પાર્ટ્સ સાફ કર્યા પછીનો કચરો હોવાનું જણાય છે. આ પ્રકારના પાર્ટ્સનું રિપેરિંગ અને સફાઈનું કામ મોટાભાગે લેથ મશીનના કારખાનાઓમાં થતું હોય છે. સ્થાનિકોનું માનવું છે કે જો જવાબદાર દ્વારા આ દિશામાં તટસ્થ તપાસ કરવામાં આવે તો આ પર્યાવરણીય ગુનો કરનાર ઝડપથી પકડાઈ શકે તેમ છે.
ચિંતાજનક બાબત એ છે કે ટૂંક સમયમાં જ ચોમાસાની શરૂઆત થવાની છે. જો વરસાદી પાણી આ કેમિકલયુક્ત મટીરીયલ્સ સાથે ભળશે તો આખું તળાવ ઝેરી બની જશે. જબલપુરનું આ એ જ તળાવ છે જ્યાં શિયાળા દરમિયાન હજારો કિલોમીટર દૂરથી વિદેશી પ્રવાસી પક્ષીઓ મુકામ કરે છે. અત્યારે પણ આ તળાવમાં હજારો જળચર જીવો વસવાટ કરે છે. જો આ ઝેરી કચરાનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આ તમામ જીવોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થશે.
સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ મામલે વહીવટી તંત્ર તાકીદે સુઓમોટો સંજ્ઞાન લઈ કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ મટીરીયલ ઝેરી છે કે નહીં તેની લેબોરેટરી તપાસ કરાવે, આ કચરો ત્યાંથી હટાવે અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારાઓ વિરુદ્ધ દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરે.
હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ ગંભીર મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે અને ગુનેગારો સુધી કયારે પહોંચે છે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
