કચ્છથી શ્રીલંકાનું કનેક્શન ધરાવતા ૪૩ કરોડ રૂા.નું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું:૧૧ રાજ્યોમાં ૯૦ ફરિયાદો
૧૦૫ બેંક ખાતાઓ ભાડે રાખ્યા, સુરેન્દ્રનગરના શખ્સ સહિત ૪ આરોપી ઝડપાયા, ૪ ફરાર, પૂર્વ કચ્છ પોલીસમાં એક યુવાને અરજી કરી અને કૌભાંડ ખુલ્યું, સાવધાન..બેંક ખાતું ભાડે આપવાની લાલચ જેલ ભેગા કરી શકે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: પૂર્વ કચ્છ પોલીસે એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કચ્છથી શ્રીલંકા કનેક્શન ધરાવતા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમનો પર્દાફાશ કર્યો છે. આ સાયબર ફ્રોડની ચોંકાવનારી હકીકત એ છે કે, તેમાં ૧૧ રાજ્યોમાં ૯૦ જેટલી ઠગાઇના નાણાં ગાંધીધામના અલગ અલગ બેંકના ભાડે લીધેલા ખાતાઓમાં જમા થયા હતા. ૧૦૫ જેટલા બેંક ખાતાઓ ભાડે લેવાયા હતા. પોલીસે મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ગાંધીધામ મેઘપર બોરીચીમાં રહેતા દિવ્યરાજસિંહ અનિરુદ્ધસિંહ રાણા, કીડાણાના જયનીત ભરત કન્નર, અંતરજાળના ચિરાગસિંહ બળવંતસિંહ ઝાલા અને શબ્બીર અકબર લુહારની ધરપકડ કરી છે. અન્ય ૪ આરોપીઓ જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા, ગળપાદરના રાજભા ગાંડુજી વાઘેલા તેમ જ આ સાયબર ફ્રોડના નાણા માટે બેંક ખાતા ભાડે રાખવામાં મુખ્ય માસ્ટર માઈન્ડ એવા ગાંધીધામના કિંગ ડેવિડ ઉર્ફે કનૈયાલાલ ઠક્કર તેમ જ દીપક ઠક્કર ફરાર છે. આ ટોળકી દ્વારા બેંક ખાતા ભાડે લઈ તેની કીટ તેઓ શ્રીલંકા ઉપરાંત મેંગલોર સાયબર ગેંગને મોકલી આપતા હતા. આ સમગ્ર કૌભાંડ સાહિલ માવજી મહેશ્વરીએ કરેલ પોલીસમાં અરજીને પગલે ખુલ્યું હતું. જયનીત કન્નરે સાહિલને બેંક ખાતું ભાડે લેવાની લાલચ આપી સાહિલના નામે બીએમસીબી બેંક ગાંધીધામમાં ખાતું ખોલાવ્યું હતું. ખાતું ખોલ્યા બાદ કમિશન ન આપ્યું પણ ખાતામાં ઠગાઈના ૧૫ લાખ રૂપિયા આવતાં ૫ લાખ કમિશનની લાલચ આપી પરંતુ સાહિલને રૂપિયા ખોટી રીતે આવ્યાની શંકા જતા કમિશનના રૂપિયા લીધા ન્હોતા. એટલે સાયબર ફ્રોડના નાણાં જમા કરવા બેંક ખાતે ભાડે લેનાર ગાંધીધામની આ ટોળકીએ સાહિલને ધાકધમકી કરતા તેણે પોલીસને અરજી કરી. પૂર્વ કચ્છ પોલીસે આ અરજીની અત્યંત ગંભીરતા સાથે તપાસ કરતા દેશના ૧૧ રાજ્યોમાં ૯૦ જેટલી ઠગાઈ કરવાનું અને શ્રીલંકા સાથે તેને જોડતું ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનું કૌભાંડ ખુલ્યું હતું.
દરમ્યાન ગાંધીધામમાં ઠગાઇના રૂપિયા જમા કરાવવા રોયલ ટ્રાન્સપોર્ટ, સીતારામ લોજિસ્ટિક ના નામે બેંક કરંટ બેંક ખાતા ખોલાવાયા હતા. બેંક ફ્રોડના મુખ્ય આરોપીઓને બેંકમાં બ્લેક લિસ્ટેડ જાહેર કરાય અને ભવિષ્યમાં તેમના બેંક ખાતો શંકાસ્પદ ગણવામાં આવે તો જ આવા કૌભાંડોથી લોકો ડરી ખોટા કામથી દૂર થાય. આ સાથે જ બેંક ખાતા ભાડે આપનાર માટે સાયબર ક્રાઇમના ગુનાની તલવાર લટકતી હોઈ આવી પ્રવળત્તિથી સાવધાન રહી બેંક ખાતાઓ ભાડે આપવાથી દૂર રહેવું જોઈએ. બાકી ૧૦૫ બેંક ખાતા ભાડે લેવામાં આવ્યા એ દર્શાવે છે કે સાયબર ક્રાઈમનું નેટવર્ક લાલચના પરિણામે અનેક નિર્દોષ લોકોને સંડોવી રહ્યું છે.(તસ્વીરઃવીડિયોઃ મુકેશ રાજગોર, રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
