<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

તાલાલાના માલઝીંઝવામાં કૂવો ગાળતાં બે મજૂર માથે પથ્‍થર પડતાં એકનું મોત, એક ગંભીર

મુળ રાજસ્‍થાનના ૪૫ વર્ષિય સુખારામ મારવાડીએ રાજકોટમાં દમ તોડયોઃ એક મહિનાથી ગોવિંદભાઇની વાડીમાં કામ કરતો હતોઃ જગદીશ સારવાર હેઠળ

 

રાજકોટ તા. ૧૧: તાલાલા તાલુકાના માલઝીંઝવા ગામે વાડીમાં કૂવો ખોદવાની મજુરી કરતી વખતે રાજસ્‍થાના બે મજૂર ઉપર પથ્‍થરો પડતાં ગંભીર ઇજાઓ થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. જેમાંથી એકનું મોત થયું છે. બીજો મજુર ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

જાણવા મળ્‍યા મુજબ માલઝીંઝવા ગામે ગોવિંદભાઇની વાડીમાં કૂવો ગાળવાનું કામ ચાલી રહ્યું હોઇ તેમાં ગત સાંજે ચારેક વાગ્‍યે રાજસ્‍થાનના બે મજૂર સુખારામ ઢગલારામ મારવાડી (ઉ.વ.૪૫) અને જગદીશભાઇ મારવાડી (ઉ.વ.૪૫) અંદર ઉતર્યા હતાં. આશરે ત્રીસેક ફુટ ઉંૅડાઇ સુધી કૂવો ઉંડો થઇ ગયો છે. આ બંને તળીયે હતાં ત્‍યારે ઉપરના ભાગેથી અચાનક પોલાણ થઇ જતાં અને પથ્‍થરો માથે પડતાં બંનેને ગંભીર ઇજાઓ થઇ હતી.

દેકારો મચી જતાં બીજા મજૂરો, ખેતર માલિક સહિતનાએ એકઠા થઇ બંનેને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતાં. જુનાગઢથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે સુખારામ મારવાડીનું મોત થયું હતું. મૃત્‍યુ પામનાર સુખારામ મારવાડી ત્રણ બહેન અને ચાર ભાઇમાં મોટા છે. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. એકાદ મહિનાથી વાડીમાં કૂવો ગાળવાનું કામ ચાલુ હોઇ તે અહિ મજુરી કરતાં હતાં. બનાવથી ગમગીની વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલાલા પોલીસને જાણ કરી હતી. બીજા મજૂર જગદીશભાઇ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. (૧૪.૬)

(10:42 AM IST)