તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 11th June 2026
નવી તલાવડીના ઉષાબેનનું ઓપરેશન કરાવ્યા બાદ હોસ્પિટલના બાથરૂમમાં પડી જતાં મોત
વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા પરંતુ અંતિમશ્વાસ લઇ લીધાઃ મકવાણા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૧: વાંકાનેરના નવી તલાવડી ગામે રહેતાં મહિલાને પેટમાં દુઃખાવો થતો હોઇ વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પેટની ગાંઠનું ઓપરેશન કરાયું હતું. તેઓ આ હોસ્પિટલના બાથરૂમમાં પડી જતાં ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ નવી તલાવડી ગામે રહેતાં ઉષાબેન અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.૪૫)ને પેટમાં દુઃખાવો થતો હોઇ તા. ૯ના રોજ વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં પેટની ગાંઠનું ઓપરેશન કરાયું હતું. અહિ તેઓ બાથરૂમમાં પડી જતાં ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતાં. સારવાર દરમિયાન સાંજે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનારના પતિ અરવિંદભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં આગલા ઘરના બે દિકરા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વાંકાનેર સીટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
