<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ટંકારાના મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડર બે ભાઇઓની ધરપકડઃ રીમાન્‍ડ મેળવવા તજવીજ

ગુન્‍હામાં વપરાયેલ હથિયાર-બાઇક કબ્‍જે કરવા અને અન્‍ય કોઇની સંડોવણી છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસનો ઘમઘમાટ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૧૧: ટંકારા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના મેઘપર ઝાલા ગામે જમીન માપણી અને શેઢાના વિવાદમાં કાકા-ભત્રીજાની છરીના ઘા ઝીંકી ક્રૂર હત્‍યા કરવાનો સનસનાટી ભર્યો બનાવ સામે આવ્‍યો હતો. આ મામલે ફરિયાદી દિગ્‍વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે બીએનએસ કલમ ૧૦૩(૧), ૩(૫) તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો રજીસ્‍ટર કરી બે ભાઇઓની ધરપકડ કરી રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથધરી છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જીતેન્‍દ્રસિંહ દિલુભા ઝાલા તથા સ્‍ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા હતા. 

પોલીસ ટીમો દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્‍ટેલિજન્‍સ (બાતમીદારો) ના સચોટ ઉપયોગથી, ઘટના બાદ મોટરસાઇકલ પર ફરાર થઈ ગયેલા બંને સગા ભાઈઓ  મુખ્‍ય આરોપીઓને ગણતરીના કલાકોમાં રાઉન્‍ડ-અપ કરી કાયદાના સિકંજામાં લઈ લેવામાં આવ્‍યા છે. 

પકડાયેલ ૧. મહાવિરસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા, જી. મોરબી) તથા ૨. તેજપાલસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલા (રહે. મેઘપર ઝાલા, તા. ટંકારા, જી. મોરબી) પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને તીક્ષ્ણ હથિયાર કબજે કરવાની તેમજ નામદાર કોર્ટમાં  રજૂ કરી રિમાન્‍ડ મેળવવાની તજવીજ ચાલુ છે. આ લોહિયાળ ઘટના પાછળ અન્‍ય કોઈની સંડોવણી કે મદદગારી છે કે કેમ, તે દિશામાં પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી જે. ડી. ઝાલા દ્વારા આગળની સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે

(1:20 PM IST)