<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગઢડાના ઢસા ગામે કેન્દ્રીયમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રિમતી નિમુબેન બાંભણિયાની પ્રેરક મુલાકાત : બી.એલ. રાજપરાના નિવાસ્થાનની મુલાકાત લઈ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓની મેળવી માહિતી

હોસ્પિટલ માટે રૂ. ૩૦ લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવાની કેન્દ્રીયમંત્રીની ઈચ્છા : હોસ્પિટલને મહીપરીએજ યોજનાનું કાયમી પાણી આપવા અને પ્રણેતા નિર્દોષાનંદ સરસ્વતી મહારાજને "પદ્મવિભૂષણ"થી વિભૂષિત કરવા રજૂઆત થઈ

ગઢડા:તારીખ ૯.૬.૨૦૨૬ના રોજ કેન્દ્રીયમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રિમતી નિમુબેન બાંભણિયા ગઢડા તાલુકાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પૂર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ બપોરના ૩:૦૦ કલાકે તેમણે ઢસા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિક અને સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબીના સ્થાપક ટ્રસ્ટી બી.એલ. રાજપરા (મુ. ઢસાગામ, તા. ગઢડા, જી. બોટાદ, મો. ૯૯૭૯૫ ૩૪૪૫૧) ના ઘરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી શ્રિમતી નિમુબેન બાંભણિયાનું ત્યાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પૂજ્ય સદ્ગુરુદેવના "જીવન ચરિતામૃત" ગ્રંથ, શાલ અને પુષ્પગુચ્છ આપીને તેમનું બહુમાન કરાયું હતું.

 

સેવાકીય કાર્યોની સમીક્ષા અને મોટી ગ્રાન્ટની ઈચ્છા:

આ મુલાકાત દરમિયાન ટ્રસ્ટી બી.એલ. રાજપરા દ્વારા નિર્દોષાનંદજી હોસ્પિટલમાં ચાલતા તદ્દન નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યોથી કેન્દ્રીયમંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની આ નિઃસ્વાર્થ કામગીરીથી પ્રભાવિત થઈને મંત્રીએ હોસ્પિટલને સહાયરૂપ થવા માટે રૂ. ૩૦ લાખથી વધુની રકમની ગ્રાન્ટ ફાળવવાની પોતે જ ઈચ્છા વ્યક્ત કરી હતી.

 

પાણીના પ્રશ્નો અને "પદ્મવિભૂષણ" એવોર્ડ માટે રજૂઆત:

આ તકે બી.એલ. રાજપરાએ હોસ્પિટલને કાયમી ધોરણે મહીપરીએજ યોજનાનું પાણી મળી રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ સાથે જ હોસ્પિટલના પ્રણેતા નિર્દોષાનંદ સરસ્વતી મહારાજને દેશના સર્વોચ્ચ સન્માનો પૈકીના એક એવા "પદ્મવિભૂષણ" થી વિભૂષિત કરવામાં આવે તેવી દરખાસ્ત કેન્દ્રીયમંત્રી શ્રિમતી નિમુબેન બાંભણિયા દ્વારા જ સરકારમાં કરવામાં આવે તે માટે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.

 

પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ અને સરકારની ૧૨ વર્ષની સિદ્ધિઓનું ભાથું:

આ પ્રસંગે મંત્રીની સાથે ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ વિરાણી ઉપરાંત બોટાદ જિલ્લા અને ગઢડા તાલુકાના ભાજપના પદાધિકારીઓ તેમજ ઢસા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રિમતી નિમુબેન બાંભણિયાએ ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધજનો સાથે સંવાદ ગોષ્ઠી કરી હતી. તેમણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારના સુશાસનમાં થયેલી ૧૨ (બાર) વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ અને વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે સહુને વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા. આ મુલાકાત દરમિયાન ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ વિરાણી દ્વારા ઢસા વિસ્તારના લોકઉપયોગી પ્રાણ-પ્રશ્નો અંગે પણ મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:50 AM IST)