ધ્રોલના ખારવા રોડ પરથી ૨૦ વર્ષીય યુવતી ગુમ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૧: ધ્રોલના ખારવા રોડ પર આવેલી વૈભવ રેસીડેન્સીમાં રહેતી એક ૨૦ વર્ષીય યુવતી ગત તા.૩૧/૦૫/૨૦૨૬ના રોજ પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી જતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી જવા પામી છે. પરિવારજનોએ યુવતીની વિવિધ સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે ધ્રોલ પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રોલના ખારવા રોડ સ્થિત વૈભવ રેસીડેન્સીમાં રહેતા વેપારી દિલીપભાઈ ખેલાભાઈ ખાવડાની પુત્રી જાનવીબેન દિલીપભાઈ ખાવડા (ઉ.વ.૨૦) તા.૩૧/૦૫/૨૦૨૬ના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઈને કંઈ પણ જાણ કર્યા વગર કયાંક ચાલી ગઈ હતી. પરિવારજનો દ્વારા તેણીની આડોશી-પાડોશી, સગા-સંબંધીઓ તેમજ ધ્રોલ, જામનગર અને મૂળ વતન કુનડ ગામ સહિત વિવિધ સ્થળોએ તપાસ અને શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી યુવતીનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી.
આ અંગે યુવતીના પિતા દિલીપભાઈ ખેલાભાઈ ખાવડાએ ધ્રોલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુમ જા.જોગ નં.૧૦/૨૦૨૬ હેઠળ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે ધ્રોલ પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા યુવતી અંગે કોઈપણ માહિતી ધરાવતા વ્યક્તિઓને તાત્કાલિક ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
