<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

જામનગરના આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર ધારશી બેરડીયાનો મહારાષ્ટ્રમાં અકસ્માત : 'નદી પુરાણ' ફિલ્મના શૂટિંગ દરમિયાન કારનો કચ્ચરઘાણ

રાત્રે ડાયરેક્ટર રમેશ મોદી સહિત 7 ઈજાગ્રસ્ત : ધારશી બેરડીયા અને ડાયરેક્ટર ICUમાં કોકીલાબેન અંબાણી હોસ્પિટલ મુંબઈમાં ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 12  : જામનગરના ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડઅપ કોમેડિયન અને હાસ્ય કલાકાર ધારશી બેરડીયાનો મહારાષ્ટ્રમાં ગંભીર અકસ્માત થયો છે. ગત 8 જૂનના રોજ 'નદી પુરાણ' ફિલ્મના શૂટિંગ દરમિયાન રાત્રિના સમયે તેઓ મુસાફરી કરી રહેલી કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ધારશી બેરડીયા અને ફિલ્મના ડાયરેક્ટર સહિત કુલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ધારશી બેરડીયા 'નદી પુરાણ' ફિલ્મની શૂટિંગ માટે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. શૂટિંગ પતાવી આખી ટીમ સાથે તેઓ કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે ફોરવ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ દુર્ઘટનામાં ડાયરેક્ટર રમેશ મોદી, મેકઅપ આર્ટિસ્ટ ચંદન, સાઉથ ફિલ્મના કેમેરામેન રાજન અને એડિટર જેન્તી ચૌહાણ સહિત 7 લોકોને ઇજાઓ પહોંચી હતી

અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કલાવતી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા ડાયરેક્ટર રમેશ મોદી અને હાસ્ય કલાકાર ધારશી બેરડીયાને ICUમાં સારવાર માટે ખસેડાયા હતા. હાલ વધુ સારવાર માટે બંનેને મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

જામનગરના ધારશી બેરડીયા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે ખ્યાતનામ છે. પોતાની આગવી શૈલીથી તેઓ દેશ-વિદેશમાં લોકોને મનોરંજન પૂરું પાડે છે. હાલ તેઓ ફિલ્મોમાં પણ અભિનય કરી રહ્યા છે. 'નદી પુરાણ' ફિલ્મમાં તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સમાચારથી જામનગર સહિત સમગ્ર ગુજરાતના કલાપ્રેમીઓ અને તેમના ચાહકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. સૌ કોઈ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)

(4:55 PM IST)