<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

હનીટ્રેપનો શિકાર બનેલા આધેડે બદનામી અને આર્થિક દબાણના ડરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું

સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામેથી ચોંકાવનારી ઘટના: પુત્રએ હિંમત દાખવીને સમગ્ર મામલે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામેથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં હનીટ્રેપનો શિકાર બનેલા એક આધેડે બદનામી અને આર્થિક દબાણના ડરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. હિના નામની મહિલા અને તેના બે અજાણ્યા સાગરીતોએ આધેડ પાસે મોટી રકમની માંગણી કરી બ્લેકમેઈલ કર્યા હોવાનું સામે આવ્યું છે. 

અમરેલીના સાવરકુંડલાનું આ લીખાળા ગામ અત્યારે શોકમગ્ન છે અને સાથે જ સ્તબ્ધ છે. ઘટનાની વિગત એવી છે કે અહીં રહેતા આધેડ હિંમતભાઈ સુહાગિયાને હિના નામની એક મહિલા અને તેના બે અજાણ્યા પુરુષ સાગરીતોએ પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ ટોળકીએ હિંમતભાઈને હનીટ્રેપનો શિકાર બનાવીને તેમની પાસે ₹3,00,000 (ત્રણ લાખ રૂપિયા)ની મોટી રકમની માંગણી કરી હતી. લોકલાજ અને બદનામીના ડરથી ગભરાઈ ગયેલા હિંમતભાઈએ તે સમયે તાત્કાલિક ₹80,000  હજાર આ હનીટ્રેપ ગેંગને આપી દીધા હતા, અને બાકીના પૈસા આગામી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ આર્થિક અને માનસિક ત્રાસ હિંમતભાઈ સહન ન કરી શક્યા."પૈસા આપ્યા બાદ પણ બ્લેકમેઇલિંગ ચાલુ રહેતા હિંમતભાઈ ભારે માનસિક દબાણમાં આવી ગયા હતા. તે જ રાત્રે તેઓ પોતાની વાડીએ ગયા અને ત્યાં આવેલા લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો. સવારે જ્યારે પરિવારજનોને આ ઘટનાની ખબર પડી ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. હિંમતભાઈના મોતના સમાચારથી આખા ગામમાં ચકચાર મચી ગઈ છે.

પિતાના આ ગંભીર પગલાં બાદ, હિંમતભાઈના પુત્રએ હિંમત દાખવીને સમગ્ર મામલે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિના નામની મહિલા અને તેના બે અજાણ્યા પુરુષ સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં હનીટ્રેપ કરતી ટોળકીઓ કેટલી બેફામ બની છે અને લોકોના જીવ લઈ રહી છે.

(9:37 PM IST)