News of Thursday, 11th June 2026
ભાવનગરમાં બે મહિના પહેલા શરૂ કરાયેલી સીટી બસ સેવા વિવાદમાં:ગ્રામ્ય રૂટ પર દોડાવવામાં આવતાં લોકોમાં કચવાટ
શહેરના અંતરિયાળ વિસ્તારોને બદલે ગ્રામ્ય રૂટ પર દોડાવવામાં આવતાં લોકોને બજાર અને અન્ય સ્થળોએ જવા માટે મોંઘા ભાડે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે.: મનપાએ પાંચ દિવસમાં રૂટ શરૂ કરવા ખાતરી આપી

ભાવનગર શહેરમાં બે મહિના પહેલા શરૂ કરાયેલી સીટી બસ સેવા હવે વિવાદમાં આવી છે. શહેરના લોકો માટે શરૂ કરાયેલી બસો શહેરના અંતરિયાળ વિસ્તારોને બદલે ગ્રામ્ય રૂટ પર દોડાવવામાં આવતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે મહાનગર પાલિકાએ આગામી પાંચ દિવસમાં શહેરના તમામ વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી છે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા લગભગ દસ વર્ષ બાદ ફરીથી સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની PM ઇબસ યોજનાના પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી હતી. જેનું બે મહિના અગાઉ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ સીટી બસ તરીકે શરૂ કરાયેલી આ સેવા હાલમાં શહેરના વિસ્તારોને બદલે સિહોર, દેવગણા, કોળિયાક અને ભંડારીયા જેવા ગ્રામ્ય રૂટ પર દોડાવવામાં આવી રહી છે.
શહેરના અનેક વિસ્તારોમાં હજુ સુધી સીટી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી લોકોને બજાર અને અન્ય સ્થળોએ જવા માટે મોંઘા ભાડે ખાનગી વાહનો અથવા અન્ય પરિવહનનો સહારો લેવો પડે છે. બીજી તરફ જે ગ્રામ્ય રૂટ પર ઇબસ દોડાવવામાં આવી રહી છે. ત્યાં પહેલેથી જ એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ છે. જેના કારણે શહેરના નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી ભાવનગર મહાનગર પાલિકાને બીજા તબક્કામાં વધુ 25 નવી બસો પણ ફાળવવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ હવે શહેરના તમામ વોર્ડના નાગરસેવકો સાથે ચર્ચા કરી નવા રૂટ નક્કી કરવામાં આવી રહ્યા છે. આગામી પાંચ દિવસમાં શહેરના અંતરિયાળ અને વંચિત વિસ્તારોમાં પણ સીટી બસ સેવા શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. બસની જેમ દોડતી સીટી બસો ખરેખર શહેરના લોકો માટે ક્યારે ઉપલબ્ધ થશે તે જોવું રહ્યું.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
