<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ભાવનગરના સિહોરમાં ગૌતમેશ્વર તળાવમાં ડૂબી જવાથી ૨૩ વર્ષીય આશાસ્પદ યુવકનું કરુણ મોત

ફાયર ફાઈટર્સની ટીમ અને તરવૈયાઓની સતત ચાર કલાકની ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો

ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાંથી એક અત્યંત દૂખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સિહોરના ઐતિહાસિક અને લોકપ્રિય ગૌતમેશ્વર તળાવમાં એક ૨૩ વર્ષીય આશાસ્પદ યુવક ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને તળાવ કિનારે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. એક તરફ ભરજુવાનીમાં દીકરાનું મોત થતાં ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે, તો બીજી તરફ સમગ્ર સિહોર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

સ્થાનિક સૂત્રો અને પોલીસ પાસેથી મળતી સત્તાવાર વિગતો મુજબ, ગૌતમેશ્વર તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામનાર આ 23 વર્ષીય યુવકની ઓળખ અદનાન સોરઠીયા તરીકે થઈ છે. પ્રાથમિક તબક્કે સ્થાનિક સ્તરે એવી પ્રબળ ચર્ચા ચાલી રહી છે કે, મૃતક અદનાન છેલ્લા કેટલાક સમયથી ગંભીર આર્થિક તંગી અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. આ નાણાકીય મુશ્કેલીઓ અને સતત વધતા માનસિક તણાવથી કંટાળીને જ તેણે તળાવમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, આ આત્મહત્યા પાછળનું અસલી કારણ પોલીસની ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

યુવક તળાવના ઊંડા પાણીમાં ડૂબ્યો હોવાની આસપાસના લોકો દ્વારા જાણ કરાતા જ સિહોર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક અનુભવી તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાવના ઊંડા પાણી અને કાદવને કારણે શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી હતી, છતાં વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર ફાઈટર્સની ટીમ અને તરવૈયાઓની સતત ચાર કલાકની ભારે જહેમત અને સઘન શોધખોળ બાદ આખરે અદનાન સોરઠીયાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પંચનામા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

(11:47 PM IST)