<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

કેશોદના રાજનગરના બંધ મકાનમાં દીપડો ઘૂસ્‍યો

બાળવયનો દીપડો છેલ્લા બે દિવસથી લોકોની નજરે ચડતો હતો સદ્દનસીબે કોઈ પર હુમલો કરેલ નથી : સતત બે કલાકની મથામણ બાદ પણ રેસ્‍કયુ ટીમે બીછાવેલ ઝાળમાં નહીં ફસાતા અંતે ઇન્‍જેક્‍શન સાથેના ડાર્ક ગનની મદદથી દીપડાને બેભાન કરી ઝડપી લેવા માટે સફળ રીતે ઓપરેશન પાર પાડયું

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૨: અત્રે પૂર્વ તરફના ભાગે અક્ષય ગઢ રોડ પર આવેલ રાજનગર સોસાયટી માં એક દીપડો જોવા મળતા લોકોમાં ભય વ્‍યાપી જવા પામેલ હતો. આ અંગે એક સ્‍થાનિક રહેવાસીએ વન વિભાગ ને જાણ કરતા તાત્‍કાલિક અસરથી રેસ્‍કયુ ટીમ અત્રે દોડી આવી દીપડા નું રેસ્‍કયુ કરી લઈ જવામાં આવતા ભય થી ફફડતા લોકો ના શ્વાસ હેઠા બેઠા હતા.

જંગલ વિસ્‍તાર માંથી એક બાળ દીપડો અત્રે એકાએક સ્‍થાનિક શહેરમાં ચડી આવેલ હતો. આ દીપડો અત્રેના રાજનગર વિસ્‍તારમાં અલખના ઓટલા નજીક આવેલ એક બંધ મકાનમાં ઘૂસી ગયેલ હોય . આ દરમિયાન ત્‍યાંથી પસાર થતા કોઈ વ્‍યક્‍તિનું ધ્‍યાન પડતા તેમણે સ્‍થાનિક રહેવાસીઓને જાણ કરેલ હતી.

આ બાબત ની જાણ થતા આ વિસ્‍તારના ભાજપના અગ્રણી ચિરાગભાઈ ભોપાળા, શ્રીકાંત આયુર્વેદિક હોસ્‍પિટલના વિવેકભાઈ ગોસ્‍વામી સહિતના લોકો સ્‍થળ પર પહોંચી આ અંગે ની ખરાઈ કર્યા બાદ વન વિભાગને જાણ કરાતા અત્રેથી આશરે ૧૮ કિમી દૂર અમરાપુર ખાતેથી ગણતરીની મિનિટોમાં જ પાંજરા સાથેની ગાડી લઈ પ્રાણી ચિકિત્‍સક સહિત વન વિભાગની નિષ્‍ણાંત રેસ્‍કયુટીમ અત્રે દોડી આવેલ હતી.

પ્રથમ તો રાત્રિનો સમય હોય દીપડો બંધ મકાનના બાથરૂમની અંદર છુપાઈને બેસેલો હોય ભારે મહેનત બાદ તેમનું લોકેશન મળેલ હતું. નજરે જોનારાઓ ના જણાવ્‍યા મુજબ દિપડો હતો નાની વયનો પરંતુ ખૂંખાર જણાઈ રહ્યો હતો. દીપડા ને પકડવા માટે રેસ્‍કયુ ટીમ આવેલ હોવાના સમાચાર આ વિસ્‍તારમાં વાયુવેગે પ્રસરતા લોકો જોવા માટે સ્‍થળ પર દોડી આવેલ હતા. એક તરફ લોકો ના ટોળા નો ભારે શોર બકોર બીજી તરફ રેસ્‍કયુટીમ દ્વારા દીપડાને પકડવાનો ઙ્કયાસ. આ સ્‍થિતિ વચ્‍ચે લોકોનું ટોળું જોઈ એક તબક્કે દીપડો ગભરાઈ ગયો હોય તેમ ભારે ઉછળ કૂદ કરી, પ્રચંડ અવાજ સાથે ધૂરકીયા કરી પોતાના સ્‍વભાવ મુજબ લોકોને ડરાવવાના પ્રયત્‍ન કરી રહેલ હતો.

કયારેક મકાનની અગાસી પર તો કયારેક બાજુમાં બંધ પડેલ અન્‍ય એક મકાનમાં કુદા કુદ કરી રેસ્‍કયુ ટીમને હાથ તાળી આપી સંતાવાનાના પ્રયાસો કરી રહેલ હતો. રાત્રિના લગભગ ૧૦ થી ૧૨ વાગ્‍યા દરમિયાન બે કલાક ની સતત જહેમત બાદ પણ રેસ્‍કયુ ટીમે બીછાવેલ ઝાળ મા નહીં ફસાતા અંતે દીપડો કોઈ પર હુમલો કરી બેસે અથવા તો નાસી જાય તે પહેલા જ સમય સૂચકતા વાપરી, રેસ્‍કયુ ટીમે ચારે તરફથી કોર્ડન કરી ઇન્‍જેક્‍શન સાથે ની ડાર્ક ગન ની મદદ થી દીપડા ને બેભાન કરી સફળ રીતે ઓપરેશન પાર પાડેલ હતું. બાદમાં તેમને પાંજરામાં પુરી એનિમલ કેર સેન્‍ટર ખાતે લઈ જવામાં આવેલ હતો.

હાલ ઉનાળાની સિઝન હોય ભારે ગરમીના કારણે પાણીની શોધમાં વન્‍ય પ્રાણીઓ કયારેક શહેરી વિસ્‍તારમાં આવી જાય છે. લોકોના કહેવા મુજબ છેલ્લા બે દિવસથી આજ દીપડો આ વિસ્‍તારમાં દેખાઈ રહેલા હતો. જેના કારણે લોકોમાં ભારે ભય સતાવી રહેલ હતો. જોકે સદ્દનસીબે કોઈ પર હુમલો કરેલ ન હતો. તે જે મકાનમાં છુપાયેલો હતો ત્‍યાં કોઈ રહેતું ન હોય મકાન બંધ હાલત મા હતું. મકાનના આગળના ભાગની દિવાલ કૂદીને અંદર પ્રવેશેલ હતો. જો કોઈ રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હોત તો અકલ્‍પનીય ઘટના સર્જાઈ શકેત.

(12:23 PM IST)