News of Saturday, 13th June 2026
પોરબંદરમાં પીવાના પાણીની જરૂરીયાત પૂર્ણ કરવા ભાદર ડેમનું પાણી આપવા માગણી
મેયર સાગરભાઇ મોદી અને મ્યુનિસીપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ દ્વારા પાણી પુરવઠા બોર્ડને રજૂઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ :.. શહેરને નિયમિત પાણી પુરવઠો આપવા ભાદર ડેમના જોડાણ માટે
ભાદર ડેમથી નર્મદા પાઇપલાઇન-૩૮માં કનેક્શન આપવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને રજુઆત મેયર સાગરભાઇ મોદી અને મ્યુનિસીપલ કમિશનર એચ. જે. પ્રજાપતિએ પાણી પુરવઠા બોર્ડને રજૂઆત કરી છે.
મહાનગરપાલિકા દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તે હેતુસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. મેયર શ્રી સાગરભાઇ મોદીની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં પોરબંદર વાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) દ્વારા કાર્યપાલક ઇજનેરશ્રી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને રજૂઆત પત્રમાં જણાવાયું છે કે હાલમાં શહેરને ફોદાળા ડેમમાંથી આશરે ૨૦ થી ૨૨ એમએલડી, ખંભાળા ડેમમાંથી આશરે ૦૫ થી ૦૬ એમએલડી તેમજ નર્મદા પાઇપલાઇન-૩૮ દ્વારા આશરે ૧૦ થી ૧૨ એમએલડી પાણી પુરવઠો આપવામાં આવે છે. પરંતુ નર્મદા પાઇપલાઇન મારફતે મળતો પાણી પુરવઠો અનિયમિત તેમજ પૂરતા દબાણ વિના મળતો હોવાનું અને ઉનાળાની પરિસ્થિતિને કારણે ફોદાળા તથા ખંભાળા ડેમમાં પાણીનું સ્તર નીચું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.
આ પરિસ્થિતિને ધ્યાને રાખીને અગાઉ થયેલી ચર્ચા મુજબ ભાદર ડેમમાંથી નવી પાઇપલાઇન નાખી પોરબંદર આવતી નર્મદા પાઇપલાઇન-૩૮ સાથે જોડાણ કરી આપવા વિનંતી કરવામાં આવી છે. આ જોડાણથી પોરબંદર શહેરને વધુ નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહેશે તેમજ નાગરિકોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે, તેની ખાત્રી મેયર શ્રી સાગરભાઇ મોદી દ્વારા આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોના હિતમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરવા સંબંધિત વિભાગને રજૂઆતમાં અનુરોધ કર્યો છે
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
