News of Saturday, 13th June 2026
મોરબી પોલીસના હાથે ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતનું નામ ધારણ કરનાર 8 માસથી ફરાર આરોપી ઝડપાયો
એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફે ભક્તિનગર સર્કલ પાસેથી દર્શિત મેવાડાની ધરપકડ કરી, પ્રોહીબીશન ગુનામાં પણ વોન્ટેડ હતો

(પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી તા.૧૩ : મોરબી એ ડીવીઝન પોલીસે ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતની ઓળખ ધારણ કરવાના ગુનામાં 8 માસથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પ્રોહીબીશનના ગુનામાં પણ 3 માસથી નાસતો ફરતો હતો.
મોરબીના ભક્તિનગર સર્કલના રહેવાસી ફરિયાદી બાબુભાઈ તળશીભાઈ ચાવડાએ સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી દર્શિત પ્રવીણભાઈ મેવાડાએ તેમના પિતાજીના નામના ખોટા બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ પેઢીનો "આંબો" બનાવી ખોટા ખેડૂત ખાતેદાર તરીકે ઓળખ આપી હતી. આ ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી આરોપીએ છેતરપિંડી આચરી હતી.
મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે એ ડીવીઝન સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી મોરબી ભક્તિનગર સર્કલ વિસ્તારમાં છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપી *દર્શિત પ્રવીણભાઈ મેવાડા ઉ.વ.30* રહે. શનાળા રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી. મૂળ રહે. હરીપર, તા. લાલપુર, જિ. જામનગરને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી ખોટા દસ્તાવેજના કેસમાં 8 માસથી અને પ્રોહીબીશનના ગુનામાં 3 માસથી ફરાર હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
