News of Saturday, 13th June 2026
જામનગર જિલ્લામા સરકારી કચેરીઓથી માંડીને ગ્રામ્ય હાટ-બજારો અને પવિત્ર ધાર્મિક સ્થળો સુધી વ્યાપક સફાઈ અભિયાનનો રણશિંગુ ફૂંકાયો, પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ જામનગર બનાવવા તંત્ર-જનતા સંકલ્પબદ્ધ
ગામડાથી જિલ્લા કક્ષા સુધીની શાળાઓ, બજારો, સ્વાયત્ત સંસ્થાઓ અને મંદિર-દરગાહોને આવરી લેતી સઘન ઝુંબેશ શરૂ, વિદ્યાર્થીઓથી વેપારી સુધી સૌએ સ્વચ્છતા માટે હાથ મિલાવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : જામનગર જિલ્લાને રાજ્યના સૌથી સ્વચ્છ અને આદર્શ જિલ્લાઓમાં સ્થાન અપાવવાના મક્કમ નિર્ધાર સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. 13 જૂનથી સમગ્ર જિલ્લામાં સઘન સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મહાઅભિયાન ગ્રામ્ય સ્તરથી શરૂ કરીને તાલુકા અને જિલ્લા કક્ષા સુધીના તમામ જાહેર સેવાના સ્થળો તેમજ નાગરિકોની શ્રદ્ધાના કેન્દ્રોને આવરી લે છે, જેથી જનજાગૃતિ સાથે તંદુરસ્ત અને સુઘડ વાતાવરણનું નિર્માણ થાય.
ઝુંબેશ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, તાલુકા-જિલ્લા પંચાયત કચેરીઓ, શાળાઓ, કોલેજો તેમજ અન્ય સ્વાયત્ત અને જાહેર સંસ્થાઓના પરિસરોને આવરી લેવાયા છે. કચેરીઓમાં વર્ષો જૂના બિનઉપયોગી અને બિનજરૂરી રેકોર્ડનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. સાથે સામાન્ય નાગરિકો માટેની સુવિધાઓ જેવી કે પ્રતીક્ષાલય, શૌચાલય અને કાઉન્ટર વિસ્તારને સત સ્વચ્છ રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શાળા-કોલેજોમાં ભવિષ્યના નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાય તે માટે આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી "સ્વચ્છતા જ સેવા" અભિગમ સાથે પરિસર સફાઈ, વૃક્ષારોપણ અને પ્લાસ્ટિક નિષેધની પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે.
નાગરિકોની રોજિંદી અવરજવર અને ખરીદીના મુખ્ય કેન્દ્રો એવા ગામ-તાલુકા-જિલ્લા કક્ષાના હાટ-બજારો, મંડીઓ અને મોટા વ્યાપારી સંકુલોમાં પણ આ ઝુંબેશ તીવ્ર બનાવાઈ છે. તંત્ર દ્વારા કચરાના વર્ગીકરણ અને નિકાલની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી રહી છે. સ્વચ્છતા બ્રિગેડ દ્વારા વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, કપડાની થેલીનો ઉપયોગ કરવા અને કચરો રસ્તા પર ન ફેંકી નિયત કચરાપેટીમાં જ નાખવા માટે સઘન સમજાવટ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગામથી જિલ્લા સુધીના તમામ બજારોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા વેપારી મંડળો પણ સંકલ્પબદ્ધ થયા છે.
જામનગર જિલ્લાના ઐતિહાસિક મહત્વ ધરાવતા અને સ્થાનિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન તમામ મંદિરો, આશ્રમો, દરગાહો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ આ અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહથી માંડીને પ્રવેશદ્વાર, પરિક્રમા માર્ગ અને આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુગંધિત રાખવા માટે મંદિર સમિતિઓ, ટ્રસ્ટીઓ અને સ્થાનિક સ્વયંસેવકોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. આથી દર્શનાર્થીઓને શાંતિ અને પવિત્રતાનો અનુભવ થાય તે માટે તંત્ર પ્રયાસશીલ છે.
જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જામનગર જિલ્લાના તમામ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવા મંડળો અને સેવાભાવી સંગઠનોને આ સફાઈ મહાઅભિયાનમાં સક્રિય ભાગીદારી નોંધાવવા અને પોતાના ઘર-ગલી-વિસ્તારને સ્વચ્છ રાખી "સ્વચ્છ જામનગર, સુંદર જામનગર"ના સ્વપ્નને સાકાર કરવામાં સહયોગ આપવા હાર્દિક અપીલ કરી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
