<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

ભક્તોની સુરક્ષા અને શ્રદ્ધાની રક્ષા એ જ સાળંગપુરધામની પ્રાથમિકતા:આ નિર્ણય પાછળનો હેતુ ભક્તોની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી સામે લડવાનો છે : બૌદ્ધિક સંપત્તિ (IPR) નોંધણી અંગે મંદિર વહીવટી સમિતિની સ્પષ્ટતા

નકલી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત અને કડક કાનૂની પગલાં લઈ શકાય તે માટે આ કૉપીરાઇટ અને આઈપી રાઈટ્સ (IP Rights)નું સુરક્ષા કવચ અનિવાર્ય બન્યું : મંદિર વહીવટી સમિતિનુ નિવેદન

રાજકોટ : તાજેતરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમા, વિશિષ્ટ વાઘા શણગાર અને અન્ય સર્જનાત્મક કૃતિઓના કૉપીરાઇટ (IPR) ની નોંધણી કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનો હેતુ ભક્તોની સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી સામે લડવાનો છે.

“ભગવાન સર્વના છે અને સદાય સર્વના જ રહેશે.”

મંદિર વહીવટી સમિતિ સ્પષ્ટપણે જણાવે છે કે, આ નોંધણીનો હેતુ ક્યારેય ભગવાન કે શ્રદ્ધા પર માલિકી હક્ક સ્થાપિત કરવાનો નથી. હનુમાનજી દાદા સમગ્ર સૃષ્ટિના છે અને સદાય સર્વના જ રહેશે. આ પગલું માત્ર મંદિરની આગવી ઓળખને કાનૂની સંરક્ષણ આપવા માટે છે.

 

 

 

નોંધણી કેમ જરૂરી બની ?

 

 

 ઓનલાઈન છેતરપિંડી અટકાવવા :  છેલ્લા કેટલાક સમયથી નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ દ્વારા સાળંગપુરના નામે ખોટા રૂમ બુકિંગ, ઓનલાઈન પ્રસાદ અને દાન-ફાળાના નામે ભક્તો સાથે છેતરપિંડીના બનાવો બન્યા છે.

 ઝડપી કાનૂની કાર્યવાહી : આવી નકલી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે સાયબર ક્રાઇમ દ્વારા ત્વરિત અને કડક કાનૂની પગલાં લઈ શકાય તે માટે આ કૉપીરાઇટ અને આઈપી રાઈટ્સ (IP Rights)નું સુરક્ષા કવચ અનિવાર્ય બન્યું છે.

 

 

મહત્વની સ્પષ્ટતા

 

 સાળંગપુર મંદિર દ્વારા હાલમાં કોઈ ઓનલાઈન રૂમ બુકિંગ કે ઘર બેઠા પ્રસાદની સેવા ચલાવવામાં આવતી નથી.

મંદિર તમામ શ્રદ્ધાળુઓને વિનંતી કરે છે કે તેઓ માત્ર મંદિરના સત્તાવાર (Official) માધ્યમો પર જ વિશ્વાસ રાખે અને કોઈપણ શંકાસ્પદ પેજ કે વ્યક્તિની નાણાકીય માંગણીઓથી સાવધ રહે.ભક્તોની અતૂટ આસ્થા, પવિત્રતા અને સુરક્ષા જાળવવા માટે સાળંગપુર ધામ કટિબદ્ધ છે.

જય શ્રી કષ્ટભંજન દેવ.શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરની યાદીમાં જણાવાયું છે.

(7:08 PM IST)