<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

તળાજા પંથકની બેંકોમાં અધધધ ₹૩૦૦ કરોડનું સોનું ગીરવે: આર્થિક સમૃદ્ધિ પાછળનું ચોંકાવનારું સત્ય, દેખાડો કરવા મોંઘી કાર અને આઇફોન લીધા બાદ લોન લેવાનો વધતો ક્રેઝ

નેશનલ અને પ્રાઇવેટ મળીને ૧૨ જેટલી બેંકો ગોલ્ડ લોન આપવા સક્રિય: ૧% વ્યાજે નાણાં ધીરતા ખાનગી વ્યાજખોરોની પણ બજારમાં બોલબાલા, હપ્તા ન ભરી શકતા વાહનો ગીરવે મૂકવાનો નવો ટ્રેન્ડ

ભાવનગર : ભાવનગર જિલ્લાનો તળાજા પંથક તેની ફળદ્રુપ અને સમૃદ્ધ ખેતીને કારણે સમગ્ર ગુજરાતમાં આર્થિક રીતે સધ્ધર માનવામાં આવે છે. અહીં જમીનો અને કોમર્શિયલ મિલકતોના કરોડો રૂપિયાના સોદા રોજબરોજ થાય છે. પરંતુ આ ચમકતી આર્થિક સમૃદ્ધિની પાછળ એક અત્યંત ચોંકાવનારી વાસ્તવિકતા પણ છુપાયેલી છે. તળાજા પંથકના હજારો મધ્યમવર્ગીય અને ખેડૂત પરિવારોએ પોતાની તાત્કાલિક આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે બેંકોમાં પોતાનું કિંમતી સોનું ગીરવે મૂકવાની ફરજ પડી છે. સ્થાનિક બેંકિંગ વર્તુળોના અંદાજ મુજબ, અત્યારે તળાજાની જુદી જુદી બેંકોમાં આશરે ₹૩૦૦ કરોડથી વધુનું સોનું લોન પેટે અનામત પડ્યું છે!
તળાજામાં હાલમાં રાષ્ટ્રીયકૃત (Nationalized), સહકારી અને મોટી ખાનગી બેંકો મળીને કુલ ૧૨ જેટલી બેંકો ધમધમી રહી છે, જે ગ્રાહકોને આકર્ષવા માટે ગોલ્ડ લોનની આકર્ષક સ્કીમો ચલાવે છે. બેંકના મેનેજરો અને સંચાલકો સાથે વાતચીત કરતા માલૂમ પડ્યું છે કે, સામાન્ય ગણાતી એક-એક સહકારી બેંકમાં પણ સરેરાશ ₹૨૫ કરોડની કિંમતનું સોનું ગીરવે મૂકેલું છે. જ્યારે મોટી રાષ્ટ્રીયકૃત અને પ્રાઇવેટ બેંકોમાં આ આંકડો ઘણો મોટો છે. સોનું રજૂ કરતાં જ મિનિટોમાં લોન પાસ થઈ જતી હોવાથી, લોકો આ સુવિધાનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે અને પંથકમાં ગોલ્ડ લોનનું ધિરાણ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.
મહુવા અને શિહોર કરતાં પણ તળાજાના નાના ગ્રાહકો આગળ
એક અગ્રણી બેંકના મેનેજરે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે, "અમે જિલ્લાના મહુવા અને શિહોર જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ કામ કર્યું છે. ત્યાં ઉદ્યોગપતિઓના કારણે મોટી રકમના ટ્રાન્જેક્શન (વેપાર) થતા હોય છે, પરંતુ જો નાના અને મધ્યમ ગ્રાહકોની સંખ્યા તેમજ તેમના દ્વારા રોજિંદા થતા બેંકિંગ વ્યવહારોની સરેરાશ કાઢવામાં આવે, તો સમગ્ર ભાવનગર જિલ્લામાં તળાજાનું સ્થાન સૌથી પ્રથમ આવે છે. અહીં બેંકિંગ બિઝનેસ ખૂબ જ પાવરફુલ છે."
બીજી તરફ, ભલે પોલીસ દ્વારા યોજાતા લોક દરબારમાં ખાનગી વ્યાજ વટાવ કરનારાઓ વિરુદ્ધ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાતી ન હોય, પરંતુ તળાજામાં બિનસત્તાવાર રીતે નાણાં ધીરનારાઓનું નેટવર્ક પણ મજબૂત છે. બજારમાં ૧% થી લઈ ગ્રાહકની મજબૂરી જોઈને ઉંચા વ્યાજે નાણાં આપનારા અનેક ખાનગી ફાઇનાન્સરો પણ સોનાના દાગીના ગીરવે રાખીને ધિરાણ આપી રહ્યા છે.
એન્ટ્રી પાડવા મોંઘા મોબાઈલ-કાર ખરીદ્યા અને પછી લોનના ડૂબાડૂબ
આજકાલના યુવાનો અને કેટલાક પરિવારોમાં દેખાડો કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. બજારમાં મોંઘા આઇફોન, કિંમતી ટુ-વ્હીલર અને ₹૧૫ થી ૨૦ લાખની લક્ઝરી ફોર-વ્હીલર કાર લોન પર ખરીદીને સોશિયલ મીડિયા કે સોસાયટીમાં 'એન્ટ્રી' તો પાડી દેવામાં આવે છે, પરંતુ બે-પાંચ મહિનામાં જ જ્યારે લોનના હપ્તા (EMI) ભરવાની ત્રેવડ નથી રહેતી, ત્યારે આ વાહનો અને ફોન ગીરવે મૂકવાનો વારો આવે છે.
હાલમાં તળાજાના બજારમાં ₹૧૫-૨૦ લાખની ફોર-વ્હીલર કાર ગીરવે મૂકી તેના પર ₹૫ થી ૭ લાખનું ટૂંકા ગાળાનું ધિરાણ મેળવનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ બદલાતા ટ્રેન્ડને કારણે તળાજામાં ફાઇનાન્સ અને ગોલ્ડ લોનનો ધંધો અત્યારે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે.

(8:10 PM IST)