News of Saturday, 13th June 2026
૨૫ વર્ષ બાદ જમીનના જે ભાવ હોય તે આપો અથવા નફામાં ભાગ આપો : મોરબીના જેતપર ખેડૂત આંદોલનમાં ઈશુદાન ગઢવીની પ્રચંડ માંગ
વીજ થાંભલાના વિરોધમાં ચાલી રહેલી આંદોલન છાવણીની મુલાકાત લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે સરકાર અને વીજ કંપનીઓને આડે હાથ લીધી : ૧૫ જૂનની ટ્રેક્ટર રેલીમાં આપશે સંપૂર્ણ સહયોગ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આજે જેતપર ગામે આંદોલન છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે આંદોલનકારી ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને આ લડાઈમાં ખેડૂતોની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી અને ખેડૂતો પર થઈ રહેલા કથિત અત્યાચાર બદલ સરકાર તેમજ ખાનગી વીજ કંપનીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ તેમણે આગામી ૧૫ જૂનના રોજ યોજાનારી ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી સહયોગ આપશે તેવી જાહેરાત કરી છે.
જેતપર ગામે આંદોલનકારીઓને સંબોધતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું અહીં કોઈ રાજનીતિ કરવા નહીં પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું. આ વીજ લાઈન ગુજરાતના અનેક ખેડૂતોના ખેતરોમાંથી નીકળવાની છે. જે ખેડૂતો પોતાની મા સમાન જમીન બચાવવા વિરોધ કરી રહ્યા છે, તેમને અને તેમના આગેવાનોને પોલીસ તેમજ અન્ય રીતે ડરાવી-ધમકાવવામાં આવી રહ્યા છે. આપણી સંસ્કૃતિ જમીન કાજે માથા આપી દેવાની રહી છે, તેમ છતાં ખેડૂતો અત્યારે ગાંધીજીના અહિંસાના માર્ગે શાંતિપૂર્વક આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલન કરી રહેલી માતા-બહેનો સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો છે તે અત્યંત દુઃખદ અને નીંદનીય છે.
વીજ કંપનીઓની આર્થિક નીતિઓ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું કે, ખાનગી કંપનીઓ ખેડૂતોના ખેતરોમાં થાંભલા અને પવનચક્કીઓ નાખીને કરોડો રૂપિયા કમાય છે અને તેનો પ્રોફિટ રાજકીય પાર્ટીઓને ફંડ તરીકે આપે છે. મેં અગાઉ જ આશંકા વ્યક્ત કરી હતી કે ચૂંટણીઓ પૂર્ણ થતાં જ સ્માર્ટ મીટર અને આવી વીજ લાઈનો નાખવાની કામગીરી બળજબરીથી શરૂ કરી દેવાશે. અત્યારે જે જમીનના ભાવ લાખોમાં છે, તે ૨૫ વર્ષ પછી કરોડો રૂપિયાની થવાની છે. કંપનીઓ અત્યારે જે વળતર ચૂકવે છે તે હાલના બજાર ભાવ પ્રમાણે પણ પૂરતું નથી. એક તરફ અદાણીને એરપોર્ટ પર ગાડી પાર્ક કરવા માટે એક કલાકના ૧૨૦ રૂપિયા ભાડું ચૂકવાય છે, જ્યારે બીજી તરફ એ જ કંપનીઓ ખેડૂતોના આટલા મોટા ખેતરો પર કબજો કરવા છતાં પૂરતું ભાડું કે વળતર આપતી નથી. જેમ વીજ કંપનીઓના રક્ષણ માટે પોલીસ તૈનાત કરાય છે, તેમ ખેડૂતોને પણ પોતાની જમીનના રક્ષણ માટે પોલીસ ભાડે આપવી જોઈએ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ કરાયેલી રજૂઆતો અંગે માહિતી આપતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, તેમણે બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી ૭ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં મુખ્યત્વે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનેલી કમિટીને ફગાવીને રાજ્ય કક્ષાની નવી કમિટી બનાવવાની માંગ કરાઈ છે, જેમાં કેન્દ્ર-રાજ્યના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ, કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોનો સમાવેશ થાય. આ ઉપરાંત ૨૫ વર્ષ પછીની ભવિષ્યની કિંમત ધ્યાને રાખી વળતર નક્કી કરવું અથવા કંપનીના નફામાં ખેડૂતોને ૮ થી ૧૦% હિસ્સો આપવો અને ખેડૂતની લેખિત મંજૂરી વગર કોઈપણ સરકારી કે કંપનીના અધિકારીએ ખેતરમાં પ્રવેશ કરવો નહીં જેવી માંગોનો સમાવેશ થાય છે. તેમણે વર્ષ ૧૮૮૫ના બ્રિટિશ શાસનકાળના ટેલિગ્રાફ એક્ટને ગુલામીનું પ્રતીક ગણાવીને ભવિષ્યમાં તેમની સરકાર આવશે ત્યારે આ કાયદો નાબૂદ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોને સંબોધતા ચેતવણી આપી હતી કે, આ પ્રકારની જમીન સંપાદનની પ્રક્રિયા હાલ તેમના વિસ્તારોમાં પણ શરૂ થઈ ગઈ છે અને આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અમલી બનશે. તેથી આ લડાઈ માત્ર જેતપર પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના અસ્તિત્વની લડાઈ છે. દરેક ગામે અલગ-અલગ લડવું પડે તેના કરતાં મૂળ કાયદામાં જ સુધારો કરવો જરૂરી છે. આ મુદ્દે આપના અન્ય ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પણ સરકાર સમક્ષ કાયદાકીય સુધારા કરવા અને ખેડૂત હિતનો નવો કાયદો લાવવા રજૂઆત કરી છે અને વિધાનસભામાં પણ આ પ્રશ્ન મજબૂતાઈથી ઉઠાવવામાં આવ્યો છે. આ સમિટ અને આંદોલન પ્રદર્શનમાં મોરબી જિલ્લાના સ્થાનિક ખેડૂત આગેવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
