<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

જામનગર એરપોર્ટ ખાતે ૧૫મી જૂને ભવ્ય ‘યાત્રી સુવિધા દિવસ’ની ઉજવણી કરાશે : મુસાફરોની સેવામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓનું તિલક કરી સ્વાગત, વંદે માતરમનું સામૂહિક ગાન, હેલ્થ કેમ્પ અને પરંપરાગત ગુજરાતી લોકનૃત્યની જામશે જમાવટ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આગામી ૧૫મી જૂનના રોજ સમગ્ર દેશમાં ‘યાત્રી સુવિધા દિવસ’ તરીકે ઉજવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત દેશભરના તમામ એરપોર્ટ પર વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવો ઉજવાશે, જે મુખ્યત્વે વડાપ્રધાનના વિઝન અને નાગરિક ઉડ્ડયન મંત્રીના નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં એરપોર્ટ સેક્ટરમાં મળેલી અભૂતપૂર્વ સિદ્ધિઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં આપવામાં આવેલા મહત્વપૂર્ણ યોગદાન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. આ રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે જામનગરના એરપોર્ટ પર પણ પ્રવાસીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય ઉજવણી અંગે જામનગર એરપોર્ટ ડાયરેક્ટર ડી.કે.સિંહ દ્વારા વિગતો આપતા જણાવાયું છે કે, જામનગર એરપોર્ટ ખાતે ૧૫મી જૂનના રોજ પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે દિવસભરના વિવિધ ભવ્ય કાર્યક્રમોની વણઝાર ઊભી કરવામાં આવી છે. આ ઉજવણી અંતર્ગત એરપોર્ટ પર આગમન થતા એટલે કે અરાઈવલ ટર્મિનલ પર આવતા તમામ મુસાફરોનું કુમકુમ તિલક કરીને ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
ત્યારબાદ એરપોર્ટ પરિસરમાં દેશભક્તિના માહોલને વધુ મજબૂત કરવાના હેતુથી ત્યાં હાજર તમામ મુસાફરો, એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ દ્વારા સાથે મળીને સામૂહિક રીતે ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે. સામાજિક સેવાની ઉત્કૃષ્ટ પહેલના ભાગરૂપે એરપોર્ટ પર એક ફ્રી હેલ્થ ચેક અપ કેમ્પનું પણ વિશેષ આયોજન કરાયું છે, જેમાં મુસાફરો તેમજ સ્ટાફ પોતાની આરોગ્ય તપાસ કરાવી શકશે.
આ વિશેષ દિવસની ઉજવણીમાં નારી શક્તિને સન્માનિત કરવા માટે એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓનું તેઓની સરાહનીય અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ બહુમાન કરવામાં આવશે. આ ઉપરાંત, દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓના મનોરંજન અને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના પરિચય માટે એરપોર્ટના અરાઈવલ હોલમાં સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગુજરાતી લોકનૃત્યની ભવ્ય પ્રસ્તુતિ પણ કરવામાં આવનાર છે. તંત્ર દ્વારા આ ઉજવણીને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

(12:28 PM IST)