<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

વિસાવદરને બ્રોડગેજ તો દૂર જૂનાગઢ સાથેની કનેક્‍ટિવિટી પણ તોડી નાખવાના પ્રયાસોથી પ્રજામાં ભભૂકતો રોષ

સિંહ અને જંગલના બહાના હેઠળ સોરઠની પ્રજા સાથે ક્રૂર મજાક, પીપાવાવ લાઈન પર સિંહના મોતની ઘટનાઓ છતાં બ્રોડગેજ દોડે છે..!!

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૫ : વિસાવદર, સાસણ, તાલાળા, ગીરગઢડા, ઉના, વેરાવળ, ધારી અને ચલાલા, અમરેલી જેવા વિસ્‍તારોને જોડતી આ જીવાદોરી સમાન મીટરગેજ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાની લોકશાહી ઢબે થતી માંગણીઓ સંતોષવાને બદલે જૂનાગઢ રેલવે સ્‍ટેશન સાથેની વિસાવદરની ઐતિહાસિક કનેક્‍ટિવિટી પણ કાયમ માટે તોડી નાખવાનો કારસો ઘડાયોનુ બહાર આવતા પ્રજામાં રોષ ભભૂકી રહ્યો છે. એવું કહેવાય રહ્યું છે કે, રેલવે તંત્ર દ્વારા એવું બહાનું ધરવામાં આવી રહ્યું છે કે જંગલ વિસ્‍તાર હોવાથી આ લાઈનને બ્રોડગેજ કરી શકાય તેમ નથી. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે આ મીટરગેજ  ટ્રેક પર ઇતિહાસમાં કયારેય કોઈ સિંહ કે વન્‍યજીવનું ટ્રેન અકસ્‍માતમાં મળત્‍યુ થયું નથી. બીજી તરફ, જ્‍યાં સૌથી વધુ સિંહોની અવરજવર છે અને જ્‍યાં ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિંહોની ઘટના બની છે તે પીપાવાવ-રાજૂલા લાઇન પર આજે પણ કોઈ પણ રોકટોક વગર માલગાડીઓ અનેબ્રોડગેજ ટ્રેનો દોડી રહી છે ! તો પછી માત્ર સોરઠની જનતાની આ ટ્રેન સામે જ જંગલનું બહાનું કેમ ધરવામાં આવે છે ?તે સો મણનો સવાલ છે.

અમદાવાદ કે રાજકોટ જેવા મોટા શહેરોમાં ટ્રાફિક કે ફાટકોની સમસ્‍યા નિવારવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે છે પરંતુ કનેક્‍ટિવિટી કાપવામાં આવતી નથી. જ્‍યારે સોરઠના કિસ્‍સામાં રેલવે બોર્ડનું વલણ અલગ કેમ દેખાય રહ્યું છે..? તેવી વ્‍યાપક લોકચર્ચા છે. આ વલણને કારણે સોરઠના ઢપ્રવાસીઓ, વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા શ્રમિકો-વિદ્યાર્થીઓએ જૂનાગઢ સાથેની સીધી રેલવે લિંક ગુમાવવાનો વારો આવશે. ગીર સોમનાથ, અમરેલી, વિસાવદર તરફથી આવતી ટ્રેનોની કનેક્‍ટિવિટી જૂનાગઢ જંકશન સ્‍ટેશન સાથે બહાલ રાખવા અને તેને સત્‍વરે બ્રોડગેજમાં ફેરવવાની માંગ સાથે સ્‍થાનિક સંગઠનો, અગ્રણીઓ અને જનતા દ્વારા શરૂ કરાયેલું આંદોલન હવે સમગ્ર વિસ્‍તારમાં જોરદાર વેગ પકડી રહ્યું છે. જો રેલવે બોર્ડ નિર્ણય પરત નહીં ખેંચે તો આવનારા દિવસોમાં ઉગ્ર જનઆંદોલન છેડવાની ચીમકી પણ લોકો દ્વારા ઉચ્‍ચારવામાં આવી રહી છે.

દેશભરમાં જ્‍યારે બુલેટ ટ્રેન અને આધુનિક રેલવે કનેક્‍ટિવિટીની વાતો થઈ રહી છે ત્‍યારે સોરઠના હૃદય સમાન મીટરગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાના બદલે અસ્‍તિત્‍વ જ મિટાવી દેવાનો કયાંક કમનસીબ નિર્ણય ન લેવાય જાય..? તેવી ભીતી લોકો સેવી રહ્યા છે. વિસાવદર તરફથી જૂનાગઢ આવતી ટ્રેનોના પરિણામે જૂનાગઢના શહેરીજનોને રેલવે ફાટકના પરિણામે પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે તે સમસ્‍યાનો ઉકેલ અતિ આવશ્‍યક છે.. પરંતુ ગ્રોફેડ ખાતે સ્‍ટેશન ઉભુ કરવાના બદલે પલાસવા-શાપુર સાથે લાઈન જોડી જૂનાગઢ જંકશન સ્‍ટેશન સાથે કનેક્‍ટીવીટી જાળવી રાખવી સામુહિક લોકહિતમા છે તેવો સાર્વત્રિક મત પ્રવર્તે છે

(1:04 PM IST)