<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

ભુજના માધાપર ગામે ભોજન આરોગ્‍યા બાદ ૨૨ બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્‍પિટલમાં દાખલ

મીઠાઈ, દહીં, દાળ ભાતના સેમ્‍પલ વડોદરા લેબમાં મોકલાયા, દહીં ઉપર શંકા, કચ્‍છમાં ફૂડ સેફ્‌ટી વિભાગની કામગીરી સામે સવાલો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૬: ભુજના માધાપર ગામે નવાવાસ વિસ્‍તારની ઐશ્વર્યા કોલોનીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે બટુક ભોજન આરોગ્‍યા બાદ ૩ થી ૧૩ વર્ષ સુધીના ૨૨ બાળકોને ખોરાકી ઝેરની અસર વરતાઇ હતી. રાત્રે ૮/૩૦ વાગ્‍યે સેવ, બુંદી, છાશ અને દાળભાત આરોગ્‍યા બાદ બાળકો ઘરે પહોંચ્‍યા હતા. બે કલાક બાદ રાત્રે ૧૦/૩૦ વાગ્‍યાના અરસામાં બાળકોને ઉલટી ચક્કર આવવા લાગ્‍યા હતા.  આજુબાજુ રહેતા અનેક બાળકોને આવી સમસ્‍યા સર્જાતા ચિંતાગ્રસ્‍ત વાલીઓએ મધરાતે ૨૨ બાળકોને ભુજની સરકારી હોસ્‍પિટલ અદાણી જી. કે. જનરલમાં ખસેડ્‍યા હતા. ત્‍યાં તાત્‍કાલિક સારવારને પગલે તમામ બાળકોની તબિયત સુધારા પર છે. આ બનાવને પગલે ફૂડ સેફ્‌ટી વિભાગ બનાવના સ્‍થળે ધસી આવ્‍યો હતો અહીં અહીં સેવ બુંદી છાશ અને દાળભાતનુ જમણ હોઈ તમામના નમૂના લઈ વડોદરા લેબમાં મોકલાવાયા છે. જોકે, છાશ ઉપર શંકા હોઈ ૨૨ કિલો દહીં જ્‍યાંથી ખરીદયું એ શિવ ડેરીમાંથી દહીંનો નમૂનો પણ લેવાયો છે. બાળકો સાથે ભોજન લેનાર મોટાઓને અસર થઈ નથી. દરમ્‍યાન રાજ્‍યમાં નકલી પનીર, નકલી દેશી ઘી, કેરીમાં કાર્બાઈડ, કેળાને પકવવા કેમિકલ જેવા અનેક કેસો ઝડપાય છે. ભેળસેળ સામે ધાક બેસાડતી જેલની સજાને બદલે રોકડ દંડની સજાને કારણે ભેળસેળના કાયદાની ધાક કયાંક ને કયાંક ઓસરી છે. ભેળસેળીયા તત્‍વો માટે રોકડ દંડ ભરવો આસાન છે જ્‍યારે જેલની સજા સામાજિક રીતે અસર કરતી હોઈ અન્‍ય તત્ત્વો પણ ભેળસેળ કરતા અટકે છે. યાદ રહે કે, ભેળસેળ યુક્‍ત ખોરાક લોકોના સ્‍વાસ્‍થ્‍ય તેમ જ જીવન ઉપર પણ ગંભીર અસર કરે છે.

(10:41 AM IST)