News of Tuesday, 16th June 2026
દસાડા પાસે કાર-ટ્રેલરનો ભયંકર અકસ્માતઃ રિટાયર્ડ નાયબ મામલતદારનું મોત
ઝેઝરીની ઝીયારતથી વારાહી પરત ફરતી વખતે કઠાડા ગામ પાસે કાર પાછળથી ટ્રેલરમાં ઘૂસીઃ પત્ની સહિત ત્રણને હોસ્પિટલમાં ખસેડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૬: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે ગઈકાલે કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના ઝેઝરી ખાતે સવા મહિનાની ઝીયારત પૂર્ણ કરીને કારમાં સવાર લોકો પાટણ જિલ્લાના વારાહી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે કાર આગળ જતા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.
અકસ્માતમાં પાટણ જિલ્લાના વારાહીના રહેવાસી અને રિટાયર્ડ નાયબ મામલતદાર એમદખાન અલીખાન મલેક, ઉ.વ. ૬૪નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમની પત્ની પણ આ અકસ્માતમાં ઘાયલ થયા હતા.
અન્ય ઘાયલોમાં હયાતખાન હુસેનખાન મલેક, ઉ.વ. ૪૩, રહે. ખેરવા, સુરેન્દ્રનગર જિલ્લો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે.
અકસ્માતની જાણ થતાં જ દસાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મળતક એમદખાન મલેકના મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મળતકના સગા-સંબંધીઓ પાટડી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને માતમ છવાઈ ગયો હતો.
હાલ આ સમગ્ર મામલે બીટ જમાદાર જયંતિભાઈ લેચીયા વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે ટ્રેલર કબજે કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકનું ધ્યાન ભટકવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની શકયતા પોલીસે વ્યક્ત કરી છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
