News of Tuesday, 16th June 2026
ખેડૂતોની ટ્રેકટર રેલીને ઓગણજ પાસે અટકાવી દીધીઃ કોંગ્રેસે સભાનું આયોજન કરતા આપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા
વાત ગાંધીનગર જવાની હતી, પણ કોંગ્રેસે તો અન્ય જગ્યાએ સભા ગોઠવીઃ ખેડૂતો પણ દ્વિધામાં મુકાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૬: વીજલાઈનના વળતરના વિરોધના જેતપરથી શરૂ થયેલ ખેડૂતોના વિરોધે આજે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતોએ ટ્રેકટર લઈને આજે ગાંધીનગર કુચ કરી છે. સવારે ખેડૂતોએ અમદાવાદની શાંતીપુરા ચોકડી ખાતે પડાવ નાખ્યો હતો. ત્યાથી આ રેલી ગાંધીનગર જવાની હતી. જો કે હવે ગાંધીનગર સુધીની રેલીની મંજૂરી જ ન હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસે ઓગણજમા સભાનું આયોજન કર્યું હોવાથી આપ અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે.
અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી અને શાંતિપૂર્ણ રીતે ગાંધીનગર તરફ જઈ રહેલી ખેડૂતોની રેલીને ઓગણજ ગામ પાસે અટકાવી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ઓગણજ પાસે સભાનું આયોજન ક૨ી રેલીને ત્યાં જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવતા અમુક ખેડૂતો રોષે ભરાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ ખેડૂતોને આગળ ન જવા દેવા માટે રોડ પર જેસીબી અને અન્ય વાહનો આડા રાખીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂત બનીને ગાંધીનગર જવા માટે આવ્યા છે.
તેમણે કોંગ્રેસ પર આક્ષેપ ક૨તા કહ્યું કે કોંગ્રેસે પોતાના રાજકીય મનસૂબા પાર પાડવા માટે ખેડૂતોની રેલીનો ઉપયોગ કર્યો છે અને તેમને ગાંધીનગર જતા અટકાવ્યા છે. આ દરમિયાન અમુક લોકો સભામાં ગયા હતા, જ્યારે બાકીના ખેડૂતો રોડ પર જ અડગ રહ્યા હતા અને આગળ જવા દેવાની માંગ કરી હતી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
