તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
કચ્છના આડેસરમાં ગુનેગાર હારુન અયુબ હિંગોરજાના કબ્જામાંથી મુક્ત કરાવેલી સરકારી જમીન પર બનશે અદ્યતન પોલીસ સ્ટેશન : પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર અને પીઆઈ જે.બી. આચાર્યએ લીધી સ્થળ મુલાકાત : જુઓ વિડીયો
રાધનપુર-સામખીયારી હાઈવે પર આવેલી સહારા હોટલનું ૧૦,૦૦૦ ચોરસ મીટરનું ગેરકાયદે દબાણ તોડી પડાયા બાદ કલેક્ટરે જમીન પોલીસ વિભાગને સોંપી : પોલીસ હાઉસિંગ બોર્ડ ટૂંક સમયમાં પીઆઈ ચેમ્બર, લોકઅપ અને વિશાળ ગાર્ડન સહિતની સુવિધાઓ સાથેનું નવું બિલ્ડિંગ બનાવશે

રાજકોટ:કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર ખાતે રાધનપુર-સામખીયારી હાઈવે પર સરકારી જમીન પરથી દબાણ હટાવ્યા બાદ હવે તે જ લોકેશન પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આડેસરના કુખ્યાત ગુનેગાર હારુન અયુબ હિંગોરજા દ્વારા વન વિભાગની કચેરી નજીક આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરીને 'સહારા હોટલ' બનાવી દેવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને આશરે દસ હજાર ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પરથી આ હોટલનું દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું.
પોલીસની માંગણીને કલેક્ટરે મંજૂરી આપતાં જમીનનો કબજો મેળવાયો
ગેરકાયદેસર કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવેલી આ કિંમતી જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું અને અદ્યતન બિલ્ડિંગ બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા રાજ્ય સરકાર તેમજ જિલ્લા કલેકટર સમક્ષ વિધિવત માંગણી કરવામાં આવી હતી. આ દરખાસ્તને સરકારે તાત્કાલિક મંજૂરી આપી દેતાં પ્રશાસન દ્વારા આ જમીનનો સત્તાવાર કબજો પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે અને આડેસર પોલીસ સ્ટેશનના નિર્માણ માટેની કાયદાકીય તજવીજ હાથ ધરવામાં આવી છે. આ નવીન પ્રોજેક્ટના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તેમજ આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) જે.બી. આચાર્ય સહિતના વરિષ્ઠ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના કાફલાએ ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈને આગળની વહીવટી કાર્યવાહી તેજ બનાવી છે.
તમામ આધુનિક સુવિધાઓ અને વિશાળ ગાર્ડન સાથેનું મોડલ પોલીસ સ્ટેશન બનશે
હાઈવે પર આકાર લેનારું આ નવું પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે અતિ આધુનિક ટેકનોલોજી અને પોલીસ કર્મચારીઓ માટેની તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ બિલ્ડિંગમાં ખાસ પીઆઇ ચેમ્બર, સુરક્ષિત લોકઅપ, સ્ટાફ રૂમ, ક્રાઈમ રેકોર્ડ રૂમ અને પીએસઓ (PSO) રૂમ સહિતની વિવિધ વહીવટી શાખાઓ વ્યવસ્થિત રીતે બનાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનના પરિસરમાં એક વિશાળ કમ્પાઉન્ડ અને આકર્ષક ગાર્ડનનું નિર્માણ પણ કરવામાં આવશે. આ તમામ બાંધકામની કામગીરી ટૂંક જ સમયમાં ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. નેશનલ હાઈવે પર જ આ નવું પોલીસ સ્ટેશન કાર્યરત થવાના કારણે હાઈવે પેટ્રોલિંગની કામગીરી વધુ સચોટ બનશે અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરી ડામવા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવી રાખવામાં પોલીસને મોટી મદદ મળશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
