News of Wednesday, 17th June 2026
ભાવનગરની મહિલાએ પતિના વિયોગમાં દોઢ વર્ષની પુત્રી સામે જ આપઘાત કરી લીધો
રીના બારૈયાના ૪ મહિના પહેલા પતિનું અવસાન થયેલ : સુરતના ઉમિયાધામ અતિથિભવનના રૂમમાં બનેલી ઘટના

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: ભાવનગરમાં દોઢ વર્ષની દીકરી સાથે રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં રોકાયેલી ૨૨ વર્ષીય મહિલાએ પોતાની દોઢ વર્ષની માસૂમ પુત્રીની નજર સામે જ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. મળતક મહિલાએ દવા પીધા બાદ તેના પરિવારને પણ ફોન કર્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી મુજબ કુંભારવાડા ની રીના બારૈયાએ ત્રણ વર્ષ પહેલાં જ અક્ષય નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેઓ ભાવનગર ખાતે સ્થાયી થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક દીકરીનો જન્મ થયો હતો. જોકે, વિધાતાએ કંઈક જુદું જ લખ્યું હોય તેમ માત્ર ૩ થી ૪ મહિના પહેલાં જ રીનાના પતિ અક્ષયનું ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું. પતિના અકાળ અવસાન બાદ રીના ભારે આઘાતમાં સરી પડી હતી અને સતત એકલતા અનુભવતી હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રબળ શકયતા છે. પતિના વિયોગમાં પત્નીએ આખરી પગલું ભરી લેતા માસૂમ બાળકીએ પિતા બાદ માતાની છત્રછાયા પણ ગુમાવી દીધી છે.
ચોંકાવનારી બાબત એ છે કે રીનાએ જ્યારે ઝેરી દવા પીધી ત્યારે તેની દોઢ વર્ષની માસૂમ પુત્રી પણ રૂમમાં હાજર હતી અને તેની નજર સામે જ માતાએ આ પગલું ભર્યું હતું. દવા પીધા બાદ રીનાએ તેના પરિવારના સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે, ‘મેં ઝેર પી લીધું છે.' આ વાત ત્યાં હાજર અતિથિ ભવનના સ્ટાફના કાને પડતાં જ દોડધામ મચી ગઈ હતી. સ્ટાફ અને અન્ય સેવાભાવી લોકો તાત્કાલિક રૂમ તરફ દોડ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી રીનાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો.
મળતી માહિતી અનુસાર, મૂળ વાવ થરાદની વતની અને હાલ ભાવનગરના નારી રોડ પર કુંભારવાડા પાસે આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય રીના અક્ષય બારૈયા પોતાની દોઢ વર્ષની દીકરીને લઈને ભાવનગરથી સુરત આવી હતી. તેણે વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલા ઉમિયાધામ મંદિરના અતિથિ ભવનમાં રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં રોકાઈ હતી. દરમિયાન તેણે અચાનક રૂમમાં ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને તપાસ દરમિયાન રીનાના મોબાઈલમાંથી તેની એક બહેનપણીનો નંબર મળી આવ્યો હતો, જેના પર સંપર્ક કરતાં સમગ્ર મામલાની સત્ય હકીકત અને પરિવારની વિગતો સામે આવી હતી. હાલ મળતદેહને સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મળતક રીનાના પતિ અક્ષયના પરિવારના સભ્યો ભાવનગરથી સુરત આવી પહોંચશે, ત્યારબાદ પોલીસ રીનાનો મળતદેહ પરિવારને સોંપશે. આ સાથે બાળકીનો કબજો પણ આપશે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
