<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

જામનગર મહાનગરપાલિકામાં બોમ્બની ધમકી: ઈમેલ મળતા જ કેમ્પસ ખાલી કરાવાયું : બોમ્બ સ્ક્વોડ દોડતી થઈ

શંકાસ્પદ ઈમેલ બાદ પોલીસ-બોમ્બ સ્ક્વોડે આખા પરિસરની ચકાસણી હાથ ધરી, સ્ટાફ-નાગરિકોમાં ભયનો માહોલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૭  : જામનગર મહાનગરપાલિકાના કેમ્પસમાં આજે બોમ્બ મુકાયાની શંકાસ્પદ ઈમેલ આવતા જ ભારે દોડધામ મચી ગઈ હતી. ઈમેલમાં મહાનગરપાલિકામાં બોમ્બ મુકાયાની વાત કરવામાં આવતા તંત્ર દોડતું થયું હતું.

 

ધમકીભર્યો ઈમેલ મળતા જ સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાનું આખું કેમ્પસ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોને તુરંત બહાર કાઢવામાં આવ્યા હતા.

 

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસરને કોર્ડન કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોમ્બ ડિટેક્શન અને નિકાલ ટુકડીએ શંકાસ્પદ સ્થળોની ચકાસણી કરી હતી.

 

હાલ પોલીસ દ્વારા ઈમેલની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમેલ કોણે મોકલ્યો તે દિશામાં તપાસ ચાલુ છે. સર્ચ પૂર્ણ થયા બાદ જ કેમ્પસ સામાન્ય કાર્યવાહી માટે ખુલ્લું મુકવામાં આવશે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:30 AM IST)