તા. ૧૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૨ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ચોટીલાના આણંદપુર ચોકડી પાસે બે દુકાનોમાં આગ, લાખોનું નૂકસાન
શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ

(ફઝલ ચોૈહાણ, જીગ્નેશ શાહ દ્વારા) વઢવાણ,ચોટીલા તા.૧૭: ચોટીલા શહેરના આણંદપુર ચોકડી નજીક આવેલ શિવ લહેરી કોમ્પ્લેક્સ પાસે આજે વહેલી સવારે બે દુકાનોમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં જ તેણે બંને દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, દુકાનોમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાય છે. દુકાનોમાં રાખેલો સ્પેરપાર્ટ્સનો જથ્થો અને ઓઈલ સહિતની જ્વલનશીલ સામગ્રીને કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
આગની જાણ થતાં જ ચોટીલા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના મનસુખભાઈ, હરેશભાઈ અને તેમની ટીમે ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
ફાયર ટીમની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે આગ વધુ પ્રસરી શકી નહીં. જેના પરિણામે આજુબાજુમાં આવેલી અન્ય દુકાનો મોટી હોનારતમાંથી બચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનદારોને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
