News of Thursday, 23rd July 2026
વઢવાણ સરકારી હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીમાંથી આરોપી ફરાર: ટોયલેટની બારી તોડીને નાશી છૂટ્યો
ચોરીના રીઢા આરોપી ઘનશ્યામ કાંજિયાને હેલ્થ ચેકઅપ માટે લઈ ગયા હતા : આરોપીએ કુદરતી હાજતનું બહાનું કરીને બાથરૂમમાં જવાની પરવાનગી માંગી'તી :6 ટીમો દ્વારા શોધખોળ શરૂ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨૩ : સુરેન્દ્રનગર પોલીસની કસ્ટડીમાંથી વધુ એક આરોપી ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીને હેલ્થ સ્કેનિંગ માટે વઢવાણ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યાંથી તે ટોયલેટની બારી તોડીને ફરાર થઈ ગયો હતો.
વઢવાણ પોલીસે ચોરીના ગુનામાં ઘનશ્યામ વીરુભાઈ કાંજિયા, ઉ.વ. 23નામના આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટ દ્વારા તેને સબ જેલમાં મોકલવા માટેનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેલ એન્ટ્રી પહેલા મેડિકલ ફિટનેસ કરાવવું ફરજિયાત હોવાથી પોલીસ તેને વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ માટે લઈ ગઈ હતી.
હોસ્પિટલમાં ચેકઅપ બાદ આરોપીએ કુદરતી હાજતનું બહાનું કરીને બાથરૂમમાં જવાની પરવાનગી માંગી. તેની સાથે બે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત પણ હતો. પરંતુ બાથરૂમમાં ગયા બાદ આરોપીએ પાછળના ભાગની બારી તોડી અને ત્યાંથી નાસી છૂટ્યો. પોલીસ કર્મચારીઓ બહાર બેઠા રહી ગયા હતા.
આ અંગે વઢવાણ પોલીસ સ્ટેશનના PI એમ.એમ. વાઢેરએ જણાવ્યું કે, કોર્ટનું વોરંટ ઇસ્યુ થયું હતું. હેલ્થ રિપોર્ટ માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ટોયલેટમાં બે પોલીસનો બંદોબસ્ત હતો છતાં આરોપી પાછળની બારી તોડીને ફરાર થયો છે.ઘટનાને પગલે આરોપી સામે ફરાર થવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની 6 જેટલી ટીમો બનાવવામાં આવી છે. હાઇવેના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આરોપી 80 ફૂટ રોડ પર સાંજનાબેન ભરવાડના મકાનમાં રહેતો હતો, ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વઢવાણ સરકારી હોસ્પિટલ ખૂબ જૂની છે. ટોયલેટમાં કોઈ પ્રકારની ગ્રીલ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આરોપી માટે ફરાર થવું સરળ બન્યું હતું. પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઘનશ્યામ કાંજિયા ચોરીના ગુનાનો રીઢો આરોપી હોવાથી તેને પકડવો પોલીસ માટે પડકારજનક બન્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને શોધખોળ ચાલુ છે
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
