News of Tuesday, 4th August 2026
બોર્ડર રેન્જ વડા ચિરાગ કોરડીયાના માર્ગદર્શનમાં, કચ્છ પૂર્વ એસપી સાગર બગમારના નેતૃત્વમાં અને PI બી.વી. બોરીસાગરની દોરવણીમાં ગાંધીધામ SOG સર્જી રહી છે સફળતાના વિક્રમોની હારમાળા : સામખીયારી નજીકથી બિહારના અમના ખાતૂન તથા આયુષ કુમાર ૧૭.૭૯ લાખના ગાંજા સાથે ઝડપાયા
‘નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ’ અભિયાન અંતર્ગત ભચાઉ ડિવિઝનમાં પેટ્રોલીંગ દરમિયાન ૧૭.૯૩ લાખના કુલ મુદ્દામાલ સાથે ઝડપાયેલા બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી સામખીયારી પોલીસને સોંપાયા

રાજકોટ : પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા "NO DRUGS IN EAST KUTCH CAMPAIGN" અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થોની હેરફેર તથા વેચાણની પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશમાં ગાંધીધામ એસઓજી ટીમે સફળતાની વધુ એક સિદ્ધિ મેળવી છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના બોર્ડર રેન્જ વડા અને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક (એસપી) સાગર બગમારના નેતૃત્વ અને સૂચનાઓ મુજબ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર B.T. બોરીસાગર (બી. વી. બોરીસાગર)ની દોરવણી નીચે એસઓજી ટીમ દ્વારા ભચાઉ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સામખીયારી-આંબલીયારા રોડ પર નવા ગામ જતા રસ્તા વચ્ચેથી ખુલ્લામાં છૂટક ગ્રાહકોને ગાંજો વેચી રહેલા બે શખ્સોને કોર્ડન કરીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં પટના જેક્શન, ગોપી બજાર, વોર્ડ નંબર ૧૮, બિહારની રહેવાસી અમના ખાતૂન ઉર્ફે ગૌરી ડો/ઓ બસીર (ઉં.વ. ૪૩) તથા બહેરામપુર, રાઘવપુર, વૈશાલી, બિહારના રહેવાસી આયુષ કુમાર ઉર્ફે શિવમ પવનરાય (ઉં.વ. ૧૮ વર્ષ ૦૩ માસ)નો સમાવેશ થાય છે.
પોલીસ ટીમે બંને આરોપીઓના કબજામાંથી ૩૫.૫૯૦ કિલોગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો (કિંમત રૂ. ૧૭,૭૯,૫૦૦/-) જપ્ત કર્યો છે. આ ઉપરાંત સ્થળ પરથી રૂ. ૬,૦૦૦ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન, રૂ. ૮,૩૦૦ રોકડા, ૨ નંગ સૂટકેસ તથા ૧ નંગ થેલો, આધાર કાર્ડ ઝેરોક્ષ, રેલવે ટિકિટ અને સ્કૂલ સર્ટિફિકેટ મળીને કુલ રૂ. ૧૭,૯૩,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ-૧૯૮૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તમામ મુદ્દામાલ તથા આરોપીઓને સામખીયારી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર B.T. બોરીસાગર તથા એસઓજી સ્ટાફ જોડાયેલ હતો.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
