<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

ખેડુત આંદોલનઃ પૂરતા પ્રમાણમાં વળતરનો પરિપત્ર બહાર નહિ પડે તો ભાજપ પક્ષને પ્રવેશબંધીઃ મોરબી જિલ્લાના ૪૦ ગામોમાં લગાવ્‍યા બેનરો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫:મોરબી જિલ્લાના જુદાજુદા ગામડાઓમાં ભાજપના નેતાઓ, ઉમેદવારો અને પક્ષની પ્રવેશબંધીના બોર્ડ બેનર જેતપર ગામના ખેડૂત આંદોલનના સમર્થનમા લગાવવામાં આવી રહ્યા છે દરમિયાન અત્‍યાર સુધીમાં અંદાજે ૪૦ જેટલા ગામમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરવામાં આવી છે અને જો વીજલાઇનના વળતર માટે ખેડુતોની માંગણી મુજબ વહેલી તકે સરકાર દ્વારા પરીપત્ર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનારી વર્ષ ૨૦૨૭ ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને પસ્‍તાવાવું પડશે તેવી ચીમકી હાલમાં ખેડૂતો ઉચ્‍ચારી રહ્યા છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા  મહિનાથી ખાનગી વીજ કંપનીના વીજપોલ અને કોરિડોર સામે પૂરતા અને પહેલા વળતરની માંગ સાથે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. દરમ્‍યાન ખેડૂતોની માંગણી મુજબનું નહીં પરંતુ સરકારે તેની મરજી મુજબ નવી વળતર નીતિ જાહેર કરવામાં આવી હતી જેનો ખેડૂત દ્વારા અસ્‍વીકાર કરવામાં આવેલ છે અને આંદોલન ચાલુ જ રાખવામા આવ્‍યુ છે અને ખેડૂતોની માંગણી મુજબ ખેડૂતને વળતર આપવામાં નહીં આવે ત્‍યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેવી માહિતી જેતપર આંદોલન સમિતિના સભ્‍ય જયંતિભાઈ ભીમાણી દ્વારા આપવામાં આવી હતી.

જેતપર આંદોલન સમિતિની યાદીમાં જણાવ્‍યા મુજબ, પહેલા જેતપર રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા, ખીરાઈ બેલા, પીપળી, ધરમપુર, હરિપર, કેરાળા, ભક્‍તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટલીગામ (અમરનગર), ક્રુષ્‍ણનગર, ગૂંગણ, ગાળા, પીલુડી, નવા દેવળીયા, જબલપુર, જીવાપર (આમરણ), રાજપર (કું), ઓમનગર (ખારચીયા), આમરણ, ડાયમંડનગર, બેલા (આ), ઓમનગર (નવા ખારચીયા) હજનારી, મોડપર, વીરપરડા, પીપળીયા, લૂંટાવદર, ખાખરેચી, જેપુર, ખાખરાળા, ખેવારીયા, બરવાળા, કાંતિપુર હજનાળી, માણેકવાડા સહિતના ગામોમાં ભાજપની પ્રવેશબંધીને લગતા બેનર લગાવવામાં આવેલ છે

(10:58 AM IST)