<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

મોરબીના રાજમાર્ગો પર રખડતા ઢોરોનો અનહદ ત્રાસ, આખલા યુદ્ધથી પ્રજા પરેશાન.

શહેરમાં 500થી વધુ નદીઓ છુટા ફરી રહ્યા હોવાનો અંદાજ, અન્ય ગૌ વંશ અલગ!

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં બિસ્માર રસ્તાઓ, ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા અને ઉભરાતી ગટરો વચ્ચે શહેરીજનોને ઢીકે ચડાવતા રસ્તે રઝળતા ઢોરની સમસ્યા સતાવી રહી છે. મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિના જેટલા સમયથી શહેરમાં ઢોર પકડવાનું બંધ કરી દેતા હાલમાં શહેરના તમામ મુખ્યમાર્ગો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં છૂટથી ફરી રહેલા રખડતા ઢોરને કારણે શહેર ગોકુળીયુ ગામ બની ગયાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. જો કે, ઢોરના ત્રાસ અંગેની ફરિયાદોનો ધોધ વછૂટતાં અંતે ગઈકાલથી કોર્પોરેશને ફરી ઢોર પકડવાનું શરૂ કરતા લોકોને હવે આખલા યુદ્ધના દ્રશ્યો અને વાહનોમાં નુકશાન તેમજ ઢીકે ચડવાની દહેશતથી મુક્તિ મળવાની આશા સેવાઈ રહી છે.

નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ મોરબીના શહેરીજનોને મેટ્રોસિટી આધુનિક સવલત મળવાની આશા હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કોર્પોરેશનના સત્તાધીશો સારા રસ્તા, ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ પણ નથી લાવી શક્યા સાથે જ રસ્તે રઝળતા ઢોરની સમસ્યા પણ હલ નહીં કરી શકતા હાલમાં શહેરમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.આશ્ચર્ય તો એ વાતનું છે કે, આંતરિક શેરી ગલીઓની સાથે જ મુખ્ય રાજમાર્ગો પર પણ ઢોર અડિંગો જમાવીને બેસી મન પડે ત્યારે યુદ્ધે ચડતા હોય આખલા યુદ્ધની સ્થિતિમાં લોકોને ઢોરના ત્રાસથી જાહેરમાર્ગો પરથી પસાર થવામાં અને વાહનો પાર્ક કરવામાં પણ ઢીકની બીકથી શારીરિક આર્થિક નુક્શાનની ભીતિ અનુભવાઈ રહી છે.

હાલમાં મોરબી શહેરના વાવડી રોડ, પંચાસર રોડ, શનાળા રોડ, રવાપર રોડ, શોભેશ્વર રોડ, મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલથી સર્કિટ હાઉસ, લીલાપર રોડ, લીલાપર કેનાલ રોડ,નવલખી રોડ,મોરબી-બાયપાસ રોડ તેમજ સામાકાંઠા વિસ્તારના સો ઓરડી સહિતના માર્ગો પર ઢોરના અડિંગાને કારણે અહીં આખલા યુદ્ધના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. એક અંદાજ મુજબ હાલમાં શહેરમાં 500થી વધુ ઢોર ખુલ્લેઆમ આટાફેરા કરી રહ્યા છે. જો કે,શહેરીજનોની ફરિયાદ બાદ નંદીઘરનું સંચાલન પોતાના હસ્તક લેનાર કોર્પોરેશન દ્વારા સોમવારથી ફરી ઢોર પકડવાનું શરૂ કરવામાં આવતા શહેરીજનોને ઢોરના ત્રાસથી મુક્તીની આશા સેવાઈ રહી છે.

મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તી આપવા મહાનગર પાલિકા દ્વારા પંચાસર રોડ પર નંદીઘર નિર્માણ ક૨વામાં આવ્યું છે.અહીં શહેરમાંથી પકડી 900 જેટલા નંદીઓને રાખવામાં આવ્યા હતા. જેમાંથી 600 થી વધુ ગૌવંશને ભચાઉ, ધ્રાંગધ્રા, રાજકોટ, મોરબી સહિતની જગ્યાએ પાંજરાપોળ અને ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ છેલ્લા એક મહિનામાં અહીં 80 જેટલા ગૌવંશના મૃત્યુ થતા હાલમાં 220 જેટલા ગૌવંશ રાખવામાં આવ્યા છે.જેથી હવે નંદીઘરમાં પશુઓ માટે રાખવાની જગ્યા ઉપલબ્ધ થતા ફરી ઢોર પકડવાનું શરૂ ક૨વામાં આવ્યું છે

(11:02 PM IST)