News of Saturday, 8th August 2026
કચ્છમાં વાદળછાયું વાતાવરણ અને મેઘમહેર: ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી અને મુન્દ્રામાં ઝાપટાં પડતાં લોકોમાં સોળ આની વરસાદની આશા જાગી
અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક; હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મેઘગર્જના અને પવન સાથે ભારે વરસાદની ચેતવણી!

ભુજ : ગુજરાત પર સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમના પગલે હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારે સવારે કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સરહદી જિલ્લાના ભુજ શહેર તેમજ તેની આસપાસના વિસ્તારો ઉપરાંત અંજાર, ગાંધીધામ, બંદરીય શહેર માંડવી અને મુન્દ્રા સહિતના સમગ્ર પંથકમાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. આ સુખદ વરસાદી માહોલથી કચ્છીજનોમાં આગામી દિવસોમાં સોળ આની વરાપ અને ધોધમાર વરસાદ વરસશે તેવી આશાનો નવો સંચાર થયો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ૩૬થી ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના લીધે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એવામાં શનિવારે સવારથી જ અચાનક બદલાયેલા મોસમ અને વરસાદી ઝાપટાંને કારણે સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. હવામાનમાં આવેલા આ અચાનક પરિવર્તનથી કચ્છીજનોને અસહ્ય ઉકાળામાંથી ભારે રાહત મળી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એકસાથે અનેક વરસાદી સિસ્ટમ્સ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યમાં ફરી મેઘમહેર થવાના એંધાણ છે. વાવાઝોડા જેવા માહોલ સાથે શનિ અને રવિવાર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકા અને કલાકના ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ, સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ૧૨ તાલુકાઓમાં ઝરમર વરસાદ નોંધાયો હતો, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ ૦.૬૩ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૭૦.૧૦ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૬.૮૭ ટકા જ્યારે કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી ઓછો ૨૯.૦૫ ટકા વરસાદ વરસ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
