તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 8th August 2026
મોરબીના વીરપરડામાં રહસ્યમય રીતે ઉકળતા કૂવા પરથી પડદો ઊંચકાયો: ભૂકંપની અફવાઓ ફગાવાઈ, તંત્રએ આપ્યું વૈજ્ઞાનિક કારણ
પાણીના હિલોળા અને દરિયાના મોજા જેવા ઉછાળા પાછળ ભૂગર્ભમાં ફસાયેલી હવા જવાબદાર; ભૂકંપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે પણ અસામાન્ય હલનચલન નકારી!

મોરબી : સિરામિક સિટી તરીકે જાણીતા મોરબી જિલ્લાના વીરપરડા ગામે છેલ્લા બે-ચાર દિવસથી ભારે કુતૂહલ અને ચર્ચાનો વિષય બનેલા 'રહસ્યમય કૂવા' અંગે આખરે જિલ્લા તંત્ર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ખેડૂતની વાડીમાં આવેલા કૂવાનું પાણી અચાનક કાંઠા સુધી આવી જઈ દરિયાના મોજાની જેમ ઉછળવા લાગતાં લોકોમાં જાતજાતની અફવાઓ અને કૌતુક સર્જાયું હતું. આ મામલે મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્પષ્ટતા કરતાં ભૂકંપ કે કુદરતી હોનારત સંબંધિત તમામ તર્ક-વિતર્કો અને અફવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, ત્રણ મહિના પહેલા જ ખોદવામાં આવેલા આ કૂવામાં વરસાદ બાદ અચાનક ઉકાળા અને હિલોળા જોવા મળતાં સોશિયલ મીડિયા પર તેના વિડિયો વાયરલ થયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ જીઓલોજિસ્ટની વિશેષ ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસના પ્રાથમિક તારણ મુજબ, જળસ્તર નીચે ફસાયેલી હવાના કારણે પાણીમાં આ હલનચલન થઈ રહ્યું છે. ફસાયેલી હવાના દબાણમાં ફેરફાર થતાં જ પાણી દરિયાના મોજાની જેમ ઉછળવા લાગતું હતું.
આ ઉપરાંત, સ્થિતિની સંપૂર્ણ સચોટ માહિતી મેળવવા માટે 'ગુજરાત ગ્રાઉન્ડવોટર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'ને વિસ્તૃત અહેવાલ સોંપવા જણાવાયું છે. સાથે જ ગાંધીનગર સ્થિત 'ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ' સાથે સંપર્ક સાધવામાં આવતાં તેમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા ૫ થી ૧૦ દિવસમાં મોરબી કે આસપાસના વિસ્તારમાં ભૂકંપ સંબંધિત કોઈ જ અસામાન્ય પ્રવૃત્તિ નોંધાઈ નથી.
અત્રે નોંધનીય છે કે, આસપાસના અન્ય કોઈ પણ કૂવામાં આવી વિચિત્ર હલનચલન જોવા મળી નથી અને માત્ર આ એક જ કૂવામાં જળસ્તરનું દબાણ જોવા મળ્યું હતું. નિષ્ણાતોની વૈજ્ઞાનિક સ્પષ્ટતા બાદ શનિવારે કૂવામાં પાણીનું ઉછળવાનું બંધ થતાં અને સ્થિતિ સામાન્ય થતાં ગ્રામજનો તથા વાડી માલિકે ભારે રાહતનો શ્વાસ લીધો છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
