News of Saturday, 8th August 2026
સુરેન્દ્રનગરના વઢવાણમાં ભારે ક્રંદન: નગરા ગામે ઉમય નદીમાં મસ્તી કરતી વખતે ડૂબી જવાથી રાજસ્થાનના ૪ શ્રમિક યુવકોના કરુણ મોત
અગાઉના દિવસે સુરક્ષિત નહાયા બાદ બીજા દિવસે ઊંડા પાણીનો અંદાજ ન રહેતાં ચાર જીવ હોમાયા; સાથી યુવકનો આબાદ બચાવ, સિવિલ હોસ્પિટલમાં નેતાઓ અને પોલીસ કાફલો દોડી આવ્યો!

સુરેન્દ્રનગર : જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામ નજીક આવેલી ઉમય નદીમાં શનિવારે એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ અકસ્માત સર્જાયો છે. નદીના પાણીમાં નહાવા પડેલા રાજસ્થાનના પાંચ યુવકોમાંથી ચાર યુવકો ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ડૂબી જવાથી તેઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ તમામ મૃતક યુવકો રાજસ્થાનથી નગરા ગામ ખાતે આકાર લઈ રહેલા સોલાર પ્લાન્ટમાં મજૂરી કામ અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની વિગતો મુજબ, રોજિંદા કામમાંથી નવરાશ મેળવીને રાજસ્થાનના પાંચ યુવકો સતત બીજા દિવસે ઉમય નદીમાં નહાવા માટે ગયા હતા. અગાઉના દિવસે તેઓ નદીના કિનારા પાસે છીછરા પાણીમાં નહાઈને પરત ફર્યા હતા. પરંતુ બીજા દિવસે નહાતી વખતે પાંચેય મિત્રો પાણીમાં મસ્તી કરી રહ્યા હતા ત્યારે નદીના પાણીની અસલી ઊંડાઈનો અંદાજ ન રહેતાં તેઓ ધીમે ધીમે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.
પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધારે હોવાના કારણે પાંચમાંથી ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે કાળુરામ નામના એક યુવકનો નસીબજોગ આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો, તંત્ર અને સ્થાનિક પોલીસનો કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ડૂબી ગયેલા ચારેય યુવકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અરેરાટીભરી ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એએસપી વૈદિકા બિહાની, વઢવાણ ડેપ્યુટી કલેક્ટર મેહુલ ભરવાડ તેમજ વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. બનાવ અંગે જોરાવરનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રોજીરોટી કમાવા આવેલા ચાર-ચાર યુવાનોના એકસાથે મોત થતાં સોલાર પ્લાન્ટ અને સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
