News of Sunday, 9th August 2026
ગારીયાધારના તત્કાલીન અસિસ્ટન્ટ એન્જિનિયરને ૨૧ હજારની લાંચ કેસમાં ૪ વર્ષની કેદ અને રૂ.૫૦,૦૦૦નો દંડ
૧૨ વર્ષ જૂના લાંચ કેસમાં ભાવનગર અદાલતનો ચુકાદો

(વિપુલ હિરાણી દ્વારા )ભાવનગર : ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા પંચાયતના તત્કાલીન એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (અ.મ.ઈ. વર્ગ-૩) કિશોરભાઈ બાવજનીભાઈ ધોરાજીયાને રૂ. ૨૧,૦૦૦ ની લાંચ લેવાના ૧૨ વર્ષ જૂના કેસમાં ભાવનગરની ચોથી એડિશનલ સેશન્સ અદાલતે ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.૫૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે.
કેસની વિગત મુજબ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનીવાસ ગામના વતની અને ફરિયાદી રમેશભાઈ પરશોતમભાઈ ગોહીલને પચ્છેગામ ખાતે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૪ દરમિયાન મંજૂર થયેલા ભૂગર્ભ ગટર યોજનાના કામનો વર્ક ઓર્ડર મળ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા મજૂરી કામ પૂર્ણ થયા બાદ પાલીતાણા સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરે કામગીરીની તપાસ કરી રૂ. ૯,૨૮,૮૪૨/- ના બિલો મંજૂરી અર્થે ગારીયાધાર તાલુકા પંચાયતમાં મોકલી આપ્યા હતા.
ફરિયાદી પોતાના કામના નાણાં મેળવવા માટે ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે આરોપી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર કિશોરભાઈ ધોરાજીયાને મળ્યા હતા. તે સમયે આરોપીએ બિલ પર સાનુકૂળ અભિપ્રાય આપવાના બદલામાં બિલની કુલ રકમના ૩ ટકા લેખે રૂ. ૨૮,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. અંતે રકઝકના અંતે રૂ. ૨૧,૦૦૦ આપવાનું નક્કી થયું હતું અને તા. ૨૧/૪/૨૦૧૪ ના રોજ લાંચની રકમ ચૂકવવાનું જણાવાયું હતું.
ફરિયાદી રમેશભાઈ ગોહીલ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રૂશ્વત બ્યુરો ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી. ટીમે તા. ૨૪/૪/૨૦૧૪ ના રોજ છટકું ગોઠવીને આરોપી કિશોરભાઈ ધોરાજીયાને રૂ. ૨૧,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ અંગે એ.સી.બી. વિભાગ દ્વારા ગુનો નોંધી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ કેસ ભાવનગરના ચોથા એડિશનલ સેશન્સ જજ શ્રીમતી હેતલબેન સી. દવે ની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયભાઈ માંડલીયાએ સરકાર પક્ષે ધારદાર અને અસરકારક દલીલો રજૂ કરી હતી. તેમણે કેસની સમર્થનમાં કુલ ૫ મૌખિક સાક્ષીઓ અને ૩૧ જેટલા દસ્તાવેજી આધાર પુરાવાઓ અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.
અદાલતે તમામ પુરાવા, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી આરોપી કિશોરભાઈ બાવજનીભાઈ ધોરાજીયાને ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમની કલમ-૭ હેઠળ ૪ વર્ષની સખત કેદ તેમજ રૂ. ૫૦,૦૦૦ નો રોકડ દંડ ફટકારતો હુકમ કર્યો છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
