News of Wednesday, 12th August 2026
વાંકાનેરના ઠીકરીયાળીમાં પ્લોટમાં દુકાનો ખડકી ભાડે દેનાર રાજકોટના શખ્સ સામે લેન્ડગ્રેબીંગ
મુંબઇની મહિલના પ્લોટ ઉપર દુકાનો બાંધી રાજકોટના વિરમ ભરવાડે ભાડે આપી દિધા'તા!

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૨: વાંકાનેર તાલુકામાં આવેલ ઠીકરીયાળા ગામની કરોડોની કિંમત ધરાવતી બિન-ખેતી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી, પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી ભાડું વસૂલવાના ગંભીર કૌભાંડમાં ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦૨'(લેન્ડ ગ્રેબિંગ) હેઠળ રાજકોટના એક શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, મૂળ મુંબઇ ખાતે રહેતા ૬૬ વર્ષીય રશ્મિબેન વિશનજી ઠક્કરે રાજકોટમાં રહેતા આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના સર્વે નંબર ૨૩ પર આઈ.ઓ.સી.એલ. (IOCL) પંપની બાજુમાં આવેલ ૭૬૨.૩૬ ચોરસ મીટર ખુલ્લી બિન-ખેતી જમીન ફરિયાદી રશ્મિબેન ઠક્કર તથા સોનલબેન વિશનજી ઠક્કર (રહે. મુંબઈ) ની સંયુક્ત માલિકીની છે. આ જમીન પૈકી ૧૯૬.૩૬ ચોરસ મીટર જમીન પર આરોપી વિરમ ભરવાડે ગેરકાયદેસર રીતે કબ્જો કરી લીધો હતો. આરોપીએ આ પચાવી પાડેલી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું. એટલું જ નહીં, આ દુકાનો અન્ય લોકોને ભાડે આપીને તેમાંથી નિયમિત ભાડું વસૂલી આર્થિક લાભ મેળવતો હતો.મુંબઈ સ્થિત માલિકોને પોતાની જમીન પર ગેરકાયદે કબ્જો થયાની જાણ થતાં તેમણે કાયદેસરની લડત આપી હતી. અંતે પોલીસ સમક્ષ રજૂ કરાયેલા પુરાવાઓને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩, ૪(૧)(૩) અને ૫(ગ) મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
