<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ઝીંઝુવાડા પંથકમાં ખરાબાની જમીન બાબતે ખૂની હૂમલો

વડગામ બસ સ્‍ટેન્‍ડ પાસે કાર રોકી યુવક પર ૪ શખ્‍સે માર માર્યો

વઢવાણ : તા.૧૨: દસાડા તાલુકાના ઝીઝુવાડા ગામના રસાણીપાટ્ટી વિસ્‍તારમાં રહેતા રાજદીપસિંહ ભાથીભા ઝાલા નામના યુવક પર સરકારી ખરાબાની જમીન બાબતે ચાર શખ્‍સો દ્વારા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્‍યો છે. રાજદીપસિંહ તેમના બનેવી આનંદસિંહ અને મિત્ર યુવરાજસિંહ સાથે સ્‍વિફ્‌ટ કાર લઈને ઝીઝુવાડાથી ચાંગોદર જઈ રહ્યા હતા, તે દરમિયાન વડગામ બસ સ્‍ટેન્‍ડ પાસે આવેલી ચાની હોટલે પહોંચતા વિસાવડી તરફથી સફેદ કલરની ક્રેટા ગાડીમાં આવેલા જાલમસિંહ રણધીરસિહ ઝાલા, નવુભા દલપતસિંહ ઝાલા, શૈલેન્‍દ્રસિંહ જીલુભા ઝાલા અને અનોપસિંહ કનુભા ઝાલાએ તેમની ગાડી રોકી હતી. આરોપી જાલમસિંહે ‘‘તારે મારી સાથે ઝગડો કરવો છે અને તને બહુ હવા છે'' તેમ કહી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને અનોપસિંહે ધક્કો મારી રાજદીપસિંહને નીચે પાડી દઈ પકડી રાખ્‍યા હતા, ત્‍યારબાદ જાલમસિંહે ધારીયા વડે ડાબા પગના નળા ઉપર ઘા મારી ગંભીર ફ્રેકચર કરી દીધું હતું, જ્‍યારે નવુભાએ લોખંડના પાઇપ વડે જમણા પગની ઢાંકણી પર તથા શૈલેન્‍દ્રસિંહે લાકડી વડે બંને હાથના બાવડા અને બરડાના ભાગે આડેધડ મારી ઇજાઓ પહોંચાડી હતી.  આ બનાવ પાછળનું મુખ્‍ય કારણ ઝીઝુવાડા અને વચ્‍છરાજપુરા વચ્‍ચે વરધારની સીમમાં આવેલી સરકારી ખરાબાની જમીનમાંથી ભોગ બનનાર રાજદીપસિંહે આશરે પચ્‍ચીસેક વિધા જમીનમાંથી બાવળો કાઢફુાવી સાફ કરાવ્‍યો હોવાનું સામે આવ્‍યું છે, જે જમીન પોતાની હોવાનું જણાવી આરોપી જાલમસિંહ અગાઉ પણ તકરાર કરી ચૂકેલો હતો અને આ જ મનદુઃખ તથા ખાર રાખીને ઉપરોક્‍ત ચારેય શખ્‍સોએ ભેગા મળીને આ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતા આરોપીઓ ‘‘હવે પછી અમારી સાથે ઝઘડો કરવાનું વિચારીશ તો પૂરો કરી નાખીશું'' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ક્રેટા ગાડી લઈને નાસી છૂટયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા રાજદીપસિંહને તાત્‍કાલિક વિરમગામની શિવ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા, જ્‍યાં ડાબા પગના નળાનું ઓપરેશન કરવામાં આવ્‍યું છે અને બંને પગે ફ્રેકચર હોવાથી હાલ હોસ્‍પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, જ્‍યારે આ સમગ્ર મામલે ભોગ બનનારની ફરિયાદના આધારે દસાડા પોલીસ સ્‍ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(11:30 AM IST)