ભાવનગર સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો ઉગ્ર હોબાળો અશુદ્ધ ભોજન, દૂષિત પાણી અને સુરક્ષા મુદ્દે તંત્ર સામે આક્રોશ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ :.. મહારાજા કળષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી નજીક આવેલી સરકારી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની ગયું હતું. હોસ્ટેલમાં અપાતું હલકી ગુણવત્તાનું ભોજન, પીવાના પાણીની વિકટ સમસ્યા અને વિદ્યાર્થિનીઓની અસુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓને લઈને આક્રોશે ભરાયેલી છાત્રાઓએ પટાંગણમાં એકઠા થઈને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો. સ્થિતિ વણસતાં આખરે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી.
મળતી વિગતો મુજબ, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ લાંબા સમયથી પાયાની સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહી છે. ભોજનમાં જીવજંતુઓ, કીડા અને પ્લાસ્ટિક નીકળતા હોવાના તેમજ પીવાના પાણીમાં લીલ આવતી હોવાના સંગીન આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્રીજા માળે રહેતી રાજેશ્વરીબા ગોહીલ નામની અગ્રણી વિદ્યાર્થિનીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, પીવાનું પાણી ભરવા માટે ત્રીજા માળેથી આઠમા માળે સુધી ધક્કા ખાવા પડે છે અને ત્યાં પણ લીલવાળું દૂષિત પાણી આવે છે. આ અશુદ્ધ પાણી પીવાના કારણે હોસ્ટેલની એક વિદ્યાર્થિનીને ટાઈફોઈડ થઈ જતાં તબીબી સારવાર લેવી પડી છે.
મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક એમ. એન. ગામીત તાબડતોબ હોસ્ટેલ પરિસરમાં દોડી આવ્યા હતા. તેમણે અડધી રાત્રે છાત્રાઓની તમામ રજૂઆતો શાંતિપૂર્ણ રીતે સાંભળી હતી. નાયબ નિયામકે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કેટલીક વિંગમાં પાઈપલાઈનના કામને કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે. તેમણે ભોજન, પાણી અને સિકયોરિટી સહિતના તમામ મુદ્દાઓનું આગામી બે દિવસમાં કાયમી નિરાકરણ લાવવાની ખાતરી આપતાં આખરે વિદ્યાર્થિનીઓનો રોષ શાંત પડ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
